GUJARAT : સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: નાયબ મામલતદાર મોરીના 8 દિવસના રિમાન્ડ, સરકારી ‘બાબુઓ’માં ફફડાટ!

0
38
meetarticle

​ઝાલવાડની ધરા પર છેલ્લા કેટલાક સમયથી જમીનોના ખેલ ખેલાઈ રહ્યા છે, તેમાં હવે કાયદાનો સકંજો કસાયો છે. સુરેન્દ્રનગરના ચર્ચિત જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર મોરીની ધરપકડ બાદ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કરતા જ વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓમાં સોંપો પડી ગયો છે. આ માત્ર એક ધરપકડ નથી, પણ વર્ષોથી ચાલતા એક ‘સુવ્યવસ્થિત’ નેક્સસનો પર્દાફાશ છે.


​વહીવટદારો અને બાબુઓના નામ ખુલતા ખળભળાટ
​તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી રહી છે તે ચોંકાવનારી છે. નાયબ મામલતદાર મોરીની પૂછપરછમાં અનેક ‘વહીવટદારો’ અને મોટા ગજાના સરકારી બાબુઓના નામ સપાટી પર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૌભાંડ કોઈ એક વ્યક્તિનું પાપ નથી, પરંતુ ઉપરથી નીચે સુધી જોડાયેલી એક મજબૂત કડી છે.
​જેમ જેમ તપાસનો દોર આગળ વધી રહ્યો છે, તેમ તેમ કેટલાક એવા અધિકારીઓ કે જેઓ અત્યાર સુધી પડદા પાછળ રહીને ‘લીલા લહેર’ કરતા હતા, તેમના નામ પણ ડાયરીઓમાં અને ચેટમાં બહાર આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
​પોતાનું નામ તો નથી ને? તપાસ કરવા દોડધામ!
​જેવા મોરીના રિમાન્ડ મંજૂર થયા અને નામો બહાર આવવાની શરૂઆત થઈ, કે તરત જ ગાંધીનગરથી લઈને સુરેન્દ્રનગર સુધીના અનેક સરકારી બાબુઓ દોડતા થઈ ગયા છે.
​કોઈ વકીલોની સલાહ લઈ રહ્યું છે.
​કોઈ તપાસની ફાઈલો ક્યાં પહોંચી તેની વિગતો મેળવવા ‘સેટિંગ’ કરી રહ્યું છે.
​કેટલાક બાબુઓ તો આગોતરા જામીન લેવા માટે પણ અંદરખાને પેરવી કરી રહ્યા હોવાની ચર્ચા છે.
​વ્યવસ્થિત રીતે ચાલતું હતું કૌભાંડ
​પોલીસ અને તપાસ એજન્સીઓને એવા મજબૂત પુરાવા મળ્યા છે કે આ સમગ્ર કૌભાંડ અત્યંત સુવ્યવસ્થિત (Organized) રીતે ચાલતું હતું. સરકારી રેકોર્ડમાં ચેડા કરવા, ખોટા દસ્તાવેજો ઉભા કરવા અને કિંમતી જમીનો પચાવી પાડવા માટે આખું એક ‘સ્ટ્રક્ચર’ તૈયાર કરવામાં આવ્યું હતું. વહીવટદારોના માધ્યમથી નાણાંની હેરફેર ક્યાં અને કોને થતી હતી, તેના પુરાવા પણ હવે તપાસનીશ ટુકડીના હાથે લાગ્યા છે.
​અશ્વિન ગોહિલનો સવાલ: શું આ તપાસ મૂળ સુધી પહોંચશે? કે પછી નાના માછલાઓને પકડીને મોટા મગરમચ્છોને છટકી જવાનો મોકો આપવામાં આવશે?
​આગામી 8 દિવસના રિમાન્ડ સુરેન્દ્રનગરના મહેસૂલી તંત્ર માટે ‘ભારે’ સાબિત થવાના છે એ નક્કી છે. જો નિષ્પક્ષ તપાસ થશે તો હજુ અનેક સફેદ કોલરધારીઓના ચહેરા પરથી મહોરા ઉતરી જશે.

​- REPOTER : અશ્વિન ગોહિલ (સુરેન્દ્રનગર)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here