સુરેન્દ્રનગર – રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આપત્તિ અને દુર્ઘટના વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે હાઈ-ઇન્ટેન્સિટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલમાં એનડીઆરએફ, રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ તથા રાજ્ય સરકારની જિલ્લા ડિઝાસ્ટર ટીમોએ પણ ભાગ લીધો હતો. આ મોકડ્રીલ દરમિયાન સવારે રતલામ રેલવે ડિવિઝન સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોેરેશન સાઇડિંગ જઈ રહેલી એક માલગાડીની સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા ૦૮ પર ઊભેલા એક કેમ્પિંગ કોચ સાથે અચાનક ટક્કર થઈ ગઈ. આ ટક્કરના પરિણામે કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં અને તેમાં હાજર ૧૨ રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ થવાની સ્થિતિ દર્શાવવામાં આવી હતી. જેની જાણ થતા જ તમામ ટીમો દ્વારા ઈજાગ્રસ્ત કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડયા હતા અને બપોરે સમગ્ર પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ તેમજ મોક ડ્રિલ જાહેર કરવામાં આવી હતી.

