સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમને નશાકારક પદાર્થ ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે. જેમાં સાયલા તાલુકાના ખીટલા ગામેની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી છે. વાડીમાં વાવેતર કરેલો 559 કિલો વજનના લીલા ગાંજાના છોડવા સહિત 2.79 કરોડનો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમને સાયલા તાલુકાના ખીટલા ગામે વાડી વિસ્તારમાં લીલા ગાંજાની ખેતી કરી હોવાની બાતમીને આધારે પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયા, પીએસઆઇ આર.જે.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા સાયલાના ખીટલા ગામે આવેલી પામર તરીકે ઓળખાતી સીમમાં વાડી ખાતે દરોડો કર્યો હતો. આ વાડીમાં કપાસના વાવેતરની આડમાં લીલા ગાંજાની ખેતી હોવાનું સામે આવતા એસ.ઓ.જી ટીમ દ્વારા લીલા ગાંજાના છોડ 180 નંગ વજન 559 કિલો ગ્રામ જેની કિંમત 2,79,85,000 રૂપિયાના જપ્ત કરી આ લીલા ગાંજાની ખેતી કરનાર રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભુપતભાઈ ખવડ (રહે- ખીટલા ગામ)ને ઝડપી પાડી ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

