સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે સર્વ સમાજ દ્વારા આ મામલે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રજૂઆત દરમિયાન અધિક જિલ્લા કલેક્ટરે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

શહેરના આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ મહારેલીમાં ભોગ બનનારના પરિવારજનો, સામાજીક આગેવાનો, શહેરીજનો સહિતનાઓ અલગ અલગ બેનરો અને સુત્રોચાર સાથે જોડાયા હતા અને અધિક જિલ્લા ક્લેકટરને પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર કરી પ્રેમ લગ્ન કરવામાં ફરજિયાત દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરવાની, મૈત્રી કરાર કાયદો રદ કરવો તેમજ ભારતીય સંસ્કૃતિ બચાવવા અને માં બાપનો ધર્મ બચાવવા ભાગેડું પ્રેમ લગ્ન અટકાવવા સહિતની પણ માંગ કરી હતી. તેમજ સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. રજૂઆત દરમિયાન અધિક જિલ્લા ક્લેક્ટરે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

