સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૦૬, ૮૦ ફૂટ રોડ પર આવેલા રણજીતનગર તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા અનેક પરિવારોને છેલ્લા ઘણા સમયથી મનપા તંત્ર દ્વારા રોડ, રસ્તા,સફાઈ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી. જેના કારણે મહિલાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ વિસ્તારમાં સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

જે અંગે સ્થાનિક મહિલાઓ અને રહીશોએ અનેક વખત મનપાના સત્તાધીશોને રજુઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહી આવતા સ્થાનિક મહિલાઓ મનપા કચેરી ખાતે રજૂઆત કરવા ઉમટી પડી હતી. પરંતુ મનપા કચેરીમાં રજૂઆત માટે શરૂઆતમાં કોઈપણ અધિકારીઓ હાજર ન જણાઈ આવતા રજુઆત માટે પણ ભટકવુ પડયું હતું. જ્યારે રાહ જોવડાવ્યા બાદ મનપાના ડેપ્યુટી કમિશનર કલ્પેશ ચૌહાણ દ્વારા માત્ર મર્યાદિત સંખ્યામાં જ મહિલાઓને પોતાની ચેમ્બરમાં બોલાવી હળવાશના મૂડમાં રજુઆત સાંભળતા મનપા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. આ તકે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે મહિલાઓની યોગ્ય રીતે રજુઆત નહી સાંભળતા રોષ જોવા મળ્યો હતો. જ્યારે રોષે ભરાયેલ મહિલાઓએ આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહી આવે તો મનપા કચેરી ખાતે ધરણા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

