GANDHINAGAR : ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતની પ્રગતિ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પ્રદર્શિત થશે

0
72
meetarticle

ગાંધીનગર, 01 સપ્ટેમ્બર 2025: ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનો નોંધનીય ફાળો છે. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તે સરકારની વિવિધ પહેલો અને રોકાણની તકોને આભારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સન ફાર્મા, ઝાયડસ કેડિલા, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સ વગેરે ગ્લોબલ કંપનીઓ આવેલી છે.

ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%
ગુજરાતના કુલ ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12% છે. મહેસાણામાં બલ્ક ડ્રગનું ઉત્પાદન, API, મધ્યસ્થી અને ફોર્મ્યુલેશનમાં નોંધપાત્ર તકો રહેલી છે. ટોરેન્ટ ફાર્મા જેવી જાણીતી કંપનીઓના કારણે આ તકોમાં વધારો થયો છે. કંપનીનો USFDA દ્વારા માન્ય પ્લાન્ટ ઇન્દ્રાદ (કડી, મહેસાણા) ખાતે આવેલો છે, જે 30 મિલિયન વાયલ (શીશી) વાર્ષિક ક્ષમતા સાથે API અને ફોર્મ્યુલેશન બંનેનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટમાં ગ્લોબલ ઇન્સ્યુલિન ઉત્પાદક નોવો નોર્ડિસ્ક માટે ખાસ સુવિધા પણ છે. ટોરેન્ટ ભારતમાં એકમાત્ર કંપની છે જે નોવો નોર્ડિસ્ક માટે કરાર હેઠળ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે.

પાટણમાં નાની અને મધ્યમ ફાર્મા કંપનીઓની મજબૂત હાજરી છે જે ઇન્જેક્ટેબલ અને ફોર્મ્યુલેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિલ્લામાં મેડટેક ક્ષેત્રમાં પણ આશાસ્પદ વૃદ્ધિ જોવા મળી રહી છે, જેનું નેતૃત્વ વેસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ ડિવાઇસ અને હોસ્પિટલ ટ્રોલી, સ્ટ્રેચર વગેરે જેવા આવશ્યક તબીબી ઉપકરણો બનાવતી કંપનીઓ કરી રહી છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજો આવેલી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ), ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી (સિદ્ધપુર), એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ગણપત યુનિવર્સિટી (ખેરવા, મહેસાણા), બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પાલનપુર), સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને આર્ડેક્ટા હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (ખેડબ્રહ્મા) જેવી સંસ્થાઓ આવેલી છે.

આ ઉપરાંત, સરકારી અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોમાં વ્યાપક અને નિષ્ણાત તબીબી સેવાઓ ઉપલબ્ધ છે, જે ઉત્તર ગુજરાતના હેલ્થકેર ક્ષેત્રને સુદ્રઢ બનાવે છે. આ પ્રદેશમાં હેલ્થ કેર સેન્ટરનું મજબૂત નેટવર્ક પણ છે, જેમાં 318 PHC અને 75 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHC)નો સમાવેશ થાય છે.

મજબૂત ઇકોસિસ્ટમ અને વ્યૂહાત્મક સ્થાન સાથે, આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ રહેશે. આ કાર્યક્રમને સરકાર, ઉદ્યોગ અને યુનિવર્સિટીઓ વચ્ચેના મજબૂત સહયોગનો પણ લાભ મળશે. તેઓ દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના ભાવિને આકાર આપવા માટે તૈયાર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here