અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન બાદ હવે વરસાદે પંજાબમાં ભારે તારાજી સર્જી છે. પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે આવેલા પૂરમાં ૧૨ જિલ્લાના અનેક ગામડામાં પાણી ઘૂસી ગયા છે. હજારો લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ તમામ પ્રભાવિત રાજ્યોમાં આ સપ્તાહમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.
પંજાબ સરકારે રાજ્યની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને ત્રણ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો, પંજાબમાં અનેક ટ્રેક્ટર-ટ્રોલી લોકો માટે રાહત કેમ્પમાં ફેરવી નખાયા છે, સૈન્યએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પાંચ હજાર નાગરિકને રેસ્ક્યૂ કરાયા હતા, જ્યારે જમ્મુ, પંજાબ, હિમાચલમાં ૨૧ ટન રાહત સામગ્રીનું વિતરણ કરાયું હતું. પંજાબમાં પૂરને કારણે અત્યાર સુધીમાં ૨૯ લોકોના મોત નિપજ્યા હતા, જેમાં સૌથી માઠી અસર પઠાણકોટ જિલ્લામાં પડી છે, આશરે ત્રણ લાખ લોકોને પૂરની અસર થઇ છે. ૨૩માંથી ૧૨ જિલ્લા પૂરનો સામનો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી ૧૬ હજાર લોકોને સુરક્ષીત સ્થળે ખસેડાયા છે. ખેતીની આશરે એક લાખ હેક્ટર જમીનને પૂરની અસર છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં બીજી સપ્ટેમ્બરથી ધોધમાર વરસાદ પડશે, આગામી ત્રણથી ચાર દિવસ પહાડી વિસ્તારોમાં સ્થિતિ ગંભીર રહેશે. આગામી ૪૮ કલાકમાં ઉત્તરાખંડ અત્યંત સંવેદનશીલ છે. દેહરાદુનમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હરિયાણામાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ગુરુગ્રામમાં ખાનગી અને સરકારી ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમ માટે સ્થાનિક પ્રશાસને એડવાઇઝરી જારી કરી છે.
દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં યમુના નદી ભયજનક સપાટીએ પહોંચતા પૂરનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, હરિયાણાથી ૩.૨૯ લાખ ક્યૂસેક પાણી છોડવાને કારણે દિલ્હી સરકાર એલર્ટ થઇ ગઇ છે. દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભુસ્ખલનને પગલે સાત લોકોના મોત નિપજ્યા હતા, અનેક રોડ બ્લોક થઇ ગયા છે જેને પગલે ટ્રાફિક જામ રહ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને પગલે વૈષ્ણોદેવી યાત્રા સતત સાતમા દિવસે પણ સ્થગિત રહી હતી.



