ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચાલુ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ઉમદા પર્ફોર્મન્સ આપી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેણે નવ ઈનિંગમાં 36.85ની એવરેજે અત્યારસુધીમાં 20 વિકેટ ઝડપી છે. આ સાથે સિરાજ આ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. સિરાજે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શ્રેષ્ઠ બોલિંગ કરી છે. જેના લીધે ઈંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટે પણ મોહમ્મદ સિરાઝના વખાણ કર્યા છે.
સિરાજ છે અસલી યોદ્ધાઃ જો રૂટ
રૂટે સિરાજને અસલી યોદ્ધા કહીને સંબોધ્યો છે. જો રૂટે ચોથા દિવસની મેચના અંતે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, તે એક અસલી યોદ્ધા છે, સિરાજ જેવા ખેલાડી જે પોતાની ટીમને ખૂબ ચાહે છે. તે ભારત માટે બધુ જ સમર્પિત કરવા તૈયાર છે. સિરાજ જે રીતે ક્રિકેટ રમી રહ્યો છે, તેની સંપૂર્ણ ક્રેડિટ તેના સિરે જ છે. હાં તેને ક્યારેક ક્યારેક બનાવટી ગુસ્સો આવી જાય છે. જેને હું સ્પષ્ટપણે જોઈ શકુ છું. સાચું કહું તો સિરાજ ખૂબ જ સારો માણસ છે. તે ખૂબ મહેનત કરે છે. તે કુશળ ખેલાડી છે. જેના લીધે તેણે આટલી બધી વિકેટ ઝડપી છે.
યુવા ખેલાડીઓ માટે રોલ મોડલ
જો રૂટે આગળ જણાવ્યું કે, તેની કાર્યશૈલી અને કૌશલ્યનું સ્તર ઉચ્ચતમ છે. તેની સામે રમવામાં મને ખૂબ મજા આવે છે. તેના ચહેરા પર હંમેશા એક સ્મિત જોવા મળે છે. તે પોાતની ટીમ માટે તમામ પ્રયાસો કરે છે. જે તેનો ચાહક બનવા માટે પર્યાપ્ત ગુણ છે. અન્ય કેટલાક યુવા ખેલાડીઓ માટે તે એક રોલ મોડલ છે.
ઓવલ ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપી
ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ પાંચમી ટેસ્ટ ટૂર્નામેન્ટ ઓવલ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે 86 રન ગુમાવી ચાર વિકેટ ઝડપી હતી. જેના લીધે મેજબાન ટીમ 247 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં સિરાજે 26 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે બર્મિંઘમની એજબેસ્ટન પીચ પર ઈંગ્લેન્ડની છ વિકેટ ઝડપી હતી. બીજી બાજુ જો રૂટની વાત કરીએ તો તેણે ઓવલ ટેસ્ટ મેચમાં 105 રન બનાવ્યા હતાં.જ્યારે હેરી બ્રુક સાથે મળી 195 રનની ભાગીદારી કરી હતી.


