ઉનાળાની ઋતુ વજન ઉતારવા (Weight Loss) માટે શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે આ સમય દરમિયાન આપણને ભૂખ ઓછી લાગે છે અને પરસેવા દ્વારા શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે. ગરમીના દિવસોમાં લોકો તળેલા નાસ્તા અને જંકફૂડ ખાવાનું ઓછું પસંદ કરે છે. આ દિવસોમાં લોકો સ્ફૂર્તિમાં રહેવા લીંબુ પાણી, નારિયેળ પાણી જેવા ડ્રિંક્સ લેતા હોય છે. પરંતુ વજન ઉતારવાના ચક્કરમાં ગરમીમાં જયારે ભૂખ લાગે ત્યારે શું ખાવું તે સમસ્યા જરૂર પરેશાન કરે છે. એક્સપર્ટે વજન ઉતારવા ટેસ્ટી સલાડ ખાવાની આપી ટીપ્સ.

વજન ઉતારવા માટે આ સલાડ ઉત્તમ વિકલ્પ
કાકડી અને ટામેટાનું સલાડ: કાકડીમાં 95% પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. તમે સવારનું ભોજન છોડી આ સલાડ ખાઈ શકો છો. કાકડી, ટામેટા, ડુંગળી, લીલા મરચાં મિક્સ કરો. પછી તેમાં લીંબુનો રસ, સંચળ (કાળું મીઠું) અને શેકેલું જીરું પાવડર નાખો. બધું બરાબર મિક્સ કરી આ સલાડ તાજું ખાવ. આ સલાડ મેટાબોલિઝમ વધારે છે અને પેટને લાંબો સમય ભરેલું રાખે છે.
તરબૂચ અને ફુદીનાનું સલાડ : તરબૂચ ઉનાળાનું શ્રેષ્ઠ ફળ છે જે સ્વીટ ક્રેવિંગ (ગળ્યું ખાવાની ઈચ્છા) ઘટાડે છે. તરબૂચના ટુકડા, તાજા ફુદીનાના પાન. થોડો લીંબુનો રસ અને ચપટી મરી પાવડર. તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે (Detox) અને વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે.
ફણગાવેલા કઠોળનું સલાડ : જો તમે કસરત કરતા હોવ તો ફણગાવેલા કઠોળનું સલાડ બેસ્ટ છે. પ્રોટીનથી ભરપૂર આ સલાડ તમારી ઉર્જામાં વધારો કરશે. આ સલાડને ટેસ્ટી બનાવવા તમે ફણગાવેલા મગ અથવા ચણા સાથે સમારેલી કાકડી, ડુંગળી અને કોથમીર ઉમેરો. પછી તેમાં લીંબુ અને સિંધાલૂણ મીઠું નાખો. તેમાં પ્રોટીન અને ફાઈબર વધુ હોય છે, જે સ્નાયુઓ મજબૂત કરે છે અને ભૂખ ઓછી લાગે છે.
પપૈયાનું સલાડ : પપૈયામાં રહેલું ‘પેપેન’ એન્ઝાઇમ પાચન ઝડપી બનાવે છે. કાચા અથવા પાકા પપૈયાના ટુકડા કરી તેમાં લીંબુ અને લાલ મરચું પાવડર ટેસ્ટ માટે નાખી શકો છો. જો તમે ફળ ખાવાના શોખીન છો તો આ સલાડ તમારા માટે બેસ્ટ છે. આ સલાડ ખાવાથી કબજિયાત દૂર થશે અને પેટને સપાટ રાખવામાં મદદ કરે છે.
ઉનાળામાં વજન ઘટાડવા રાખો ધ્યાનમાં આ બાબત
વજન ઉતારવા આ સલાડ વધુ અસરકારક છે. યાદ રાખો કે વજન ઉતારવા કયારેય સલાડમાં વધારાની ખાંડ કે ભારે ક્રીમવાળા ડ્રેસિંગ ન ઉમેરવા, માત્ર લીંબુ અને મીઠાનો ઉપયોગ કરવો. સલાડ ઉપરાંત ગરમીના દિવસોમાં તમે તરબૂચ અને ટેટી જેવા ફળો ખાઈ શકો છો. તે પેટ ભરેલું રાખશે અને કેલરી પણ ઓછી આપશે. ભોજનમાં દહીં અથવા છાસનો સમાવેશ કરો. તે પાચન સુધારે છે અને શરીરને ઠંડક આપે છે. જયારે શાકભાજીમાં તમે દૂધી, ગલકા, તુરિયા અને ટીંડોરા ખાઈ શકો છો. આ શાકભાજી પચવામાં હળવા હોય છે અને ફાઈબરથી ભરપૂર હોય છે. ઉનાળામાં તળેલો અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું. કારણ કે તે પચવામાં ભારે હોય છે. વજન ઘટાડવા માટે દિવસ દરમિયાન 3-4લિટર પાણી પીવું જોઈએ. તેમજ 7-8 કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. ઉનાળામાં દિવસ લાંબા હોય છે, તેથી રાત્રે વહેલા સુવાની આદત પાડો.

