ભારતમાં ડાયાબિટીસનું નિદાન કરવા માટે વર્ષોથી HbA1c ટેસ્ટને સૌથી વિશ્વસનીય માપદંડ મનાય છે. પરંતુ તાજેતરમાં મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ: સાઉથ ઈસ્ટ એશિયા’માં પ્રકાશિત એક વૈજ્ઞાનિક અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું છે કે ભારતીય વસ્તીના મોટા હિસ્સામાં આ ટેસ્ટ હંમેશાં સચોટ પરિણામ આપતો નથી. એનિમિયા, વારસાગત રક્ત વિકારો અને કેટલાક એન્ઝાઇમની ઉણપ જેવી સામાન્ય આરોગ્ય સમસ્યાઓને કારણે HbA1cના પરિણામો ભ્રામક હોઈ શકે છે. આ સ્થિતિમાં કેટલાક દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન મોડું અથવા ખોટું થઈ શકે છે.

HbA1c ટેસ્ટ શું છે?
HbA1c (હિમોગ્લોબિન A1c) એટલે ‘ગ્લાયકેટેડ હિમોગ્લોબિન ટેસ્ટ’ લોહીમાં છેલ્લા 2–3 મહિનાના સરેરાશ ગ્લુકોઝ લેવલનો અંદાજ આપે છે. રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિન સાથે કેટલું ગ્લુકોઝ જોડાય છે, તે માપીને આ પરીક્ષણ કરાય છે. ઉપવાસ કરવાની જરૂર ન હોવાથી અને લાંબા ગાળાની માહિતી મળતી હોવાથી આ ટેસ્ટ વૈશ્વિક સ્તરે ડાયાબિટીસ નિદાન માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. 5.7% થી ઓછું HbA1c સામાન્ય ગણાય છે.
- 5.7% થી 6.4% વચ્ચે HbA1c પ્રિ-ડાયાબિટીસની નિશાની છે.
- 6.5% અથવા વધુ HbA1c ડાયાબિટીસ દર્શાવે છે.
ભારતીયોમાં પરિણામો કેમ બદલાઈ શકે?
HbA1cનું મૂલ્ય હિમોગ્લોબિનના સ્તર અને રક્તકણોના આયુષ્ય પર આધારિત હોય છે. ભારતમાં આયર્નની ઉણપથી થતો એનિમિયા ખૂબ સામાન્ય છે, જે HbA1cનું મૂલ્ય કૃત્રિમ રીતે વધારે બતાવી શકે છે. બીજી તરફ, હિમોગ્લોબિનોપેથી અથવા G6PD જેવી સ્થિતિ રક્તકણોનું આયુષ્ય ઘટાડી દે છે, જેના કારણે HbA1cનું મૂલ્ય અસલી કરતાં ઓછું દેખાઈ શકે છે. આથી કેટલાક દર્દીઓમાં ડાયાબિટીસ હોવા છતાં ટેસ્ટનું પરિણામ સામાન્ય બતાવે છે, જ્યારે કેટલાકમાં ખોટી રીતે ઊંચું મૂલ્ય આવી શકે છે.
ખોટા પરિણામોનું જોખમ
જો ડોક્ટર માત્ર HbA1c ટેસ્ટ પર આધાર રાખે, તો કેટલાક લોકોમાં ડાયાબિટીસનું નિદાન વર્ષો સુધી મોડું થઈ શકે છે. આ દરમિયાન નર્વ ડેમેજ, કિડનીની સમસ્યા અને આંખના રોગ જેવી ગંભીર ગૂંચવણો ધીમે ધીમે વધી શકે છે. આ ઉપરાંત, લેબોરેટરીની ગુણવત્તા અને પરીક્ષણ પદ્ધતિઓમાં તફાવત પણ પરિણામોની સચોટતા પર અસર કરી શકે છે.
પૂરક પરીક્ષણો જરૂરી
નિષ્ણાતો HbA1c ટેસ્ટને સંપૂર્ણપણે નકારી કાઢતા નથી, પરંતુ તેને અન્ય પરીક્ષણો સાથે જોડીને ઉપયોગ કરવાની ભલામણ કરે છે. ઉપવાસમાં બ્લડ ગ્લુકોઝ, ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ (OGTT) અને સમયાંતરે બ્લડ શુગરનું સ્વ-મોનિટરિંગ નિદાનને વધુ વિશ્વસનીય બનાવી શકે છે. વધુ સચોટ મૂલ્યાંકન માટે હિમોગ્લોબિન લેવલ, આયર્ન પરીક્ષણ, હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ અથવા G6PD પરીક્ષણ પણ ઉપયોગી બની શકે છે.
એક ટેસ્ટ બધાને લાગુ નથી પડતો
વિજ્ઞાનીઓનું કહેવું છે કે દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિ અલગ હોય છે, તેથી એક જ ટેસ્ટ દરેક માટે સચોટ પરિણામ આપે જ, એવું જરૂરી નથી. જો HbA1cનું મૂલ્ય બ્લડ ગ્લુકોઝ રિપોર્ટ સાથે મેળ ન ખાતું હોય, તો વધુ તપાસ કરવી જરૂરી છે. ગ્લુકોઝ આધારિત પરીક્ષણો અને મૂળભૂત રક્ત પરીક્ષણોનો સંયુક્ત ઉપયોગ ભારતમાં ડાયાબિટીસનું વધુ સચોટ અને સુરક્ષિત નિદાન કરવામાં મદદરૂપ બની શકે છે.

