ગુજરાતમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 50 લાખ જેટલા લોકો ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે. ડૉક્ટરોના મતે વધુ ચિંતાની વાત એ પણ છે કે પ્રોફેશ્નલ સ્ટ્રેસ, બેઠાડુ જીવનશૈલી, અપૂરતી ઉંઘ, ફાસ્ટફૂડના નિયમિત સેવન અને ઓછી શારીરિક પ્રવૃત્તિથી ડાયાબિટીસના નિદાનની સરેરાશ ઉંમર 40 વર્ષથી ઘટીને 30 વર્ષ થઈ ગઈ છે. પાંચ વર્ષ માટે પણ અનિયંત્રિત ડાયાબિટિસ હૃદયરોગ, સ્ટ્રોક અને કિડની સંબધિત સમસ્યામાં વધારો કરે છે.

શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ
દર વર્ષે 14 નવેમ્બરની ઉજવણી ‘ડાયાબિટીસ ડે’ તરીકે કરવામાં આવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ)-5 રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના 16 ટકા પુરુષો અને 14.8 ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચું અથવા ખૂબજ ઊંચું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે પુરૂષો અર્ને મહિલાઓ બંનેમાં ગ્રામીણ વિસ્તારોની તુલનામાં શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના અનુસાર ભારતમાં 101 મિલિયનને ડાયાબિટીસ અને 136 મિલિયનને પ્રી ડાયાબિટીસની સમસ્યા છે. ગુજરાતમાં ડાયાબિટીસનો વ્યાપ 9-10 ટકા છે, જ્યારે અમદાવાદ જેવા શહેરી કેન્દ્રમાં 12 ટકા જેટલો ઊચા દર છે.
જીવનશૈલીમાં સામાન્ય બદલાવથી ડાયાબિટીસને રોકી શકાય
ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લગભગ 70 ટકા લોકોને અનિયંત્રિત બ્લડ શુગર હોય છે, જેનું મુખ્ય કારણ વિશેષ કરીને હૃદય સંબંધિત બિમારીઓ સહિતના નોન-કમ્યુનિકેબલ બિમારીઓનું વધતું ભારણ છે તેમ જણાવતા એન્ડોક્રિનોલોજીસ્ટ ડૉ. રમેશ ગોયલે ઉમેર્યું કે, ‘સમયસર નિદાન અને જીવનશૈલીમાં સામાન્ય બદલાવથી ડાયાબિટીસને રોકી શકાય છે અથવા તેને અસરકારક રીતે મેનેજ કરી શકાય છે. નિયમિત કસરત, સંતુલિત પોષણ, 7-8 કલાકની પૂરતી ઊંઘ, વજનની યોગ્ય જાળવણી અને હેલ્થ ચેક-અપ બ્લડ શુગરને મેનેજ કરવામાં અને લાંબાગાળાની સમસ્યાઓને રોકવામાં ઉપયોગી બની રહે છે.’
આંખોની નિયમિત ચકાસણી ખૂબ જરૂરી
ડૉક્ટરોના મતે, મોટાભાગના કિસ્સામાં ડાયાબિટીસના સૌપ્રથમ લક્ષણ આંખમાં સૌપ્રથમ જોવા મળે છે. ડાયાબિટીસ હોય કે ન હોય તેમ છતાં 40ની ઉંમર બાદ નિયમિત રીતે આંખની ચકાસણી કરાવવી જોઈએ. ડાયાબિટીસને કારણે આંખમાં સૌપ્રથમ નુકસાન થતું જોવા મળે છે.
ગર્ભાવસ્થા વખતે ડાયાબિટીસના કેસ
ગર્ભાવસ્થા વખતે ડાયાબિટીસનું નિદાન થવાના કેસ હવે વધીને 10 ટકા થયાનું ડૉક્ટરોએ જણાવ્યું છે. સગર્ભાવસ્થા ડાયાબિટીસ એ ડાયાબિટીસનો એક પ્રકાર છે. ગર્ભાવસ્થા દરમિયાન લોહીમાં શર્કરાનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે આ ડાયાબિટીસ જોવા મળે છે.
ડાયાબિટીસ છે કે કેમ તે કેવી રીતે ખબર પડે?
ડૉક્ટરોના મતે HbA1c ટેસ્ટ દ્વારા ડાયાબિટીસ છે કે કેમ તેનો અંદાજ મેળવી શકાય છે. HbA1c 5.7 ટકાથી નીચે હોય તો તેને નોર્મલ, 5.7 ટકાથી 6.4 ટકા હોય તો તેને પ્રી ડાયાબિટીક અને 6.5 ટકાથી વધુ હોય તો તેને ડાયાબિટીક ગણવામાં આવે છે.
આજે જાહેર સ્થળોએ નિઃશુલ્ક ચકાસણી
અમદાવાદમાં આજે (14મી નવેમ્બર) સવારના જે સમયે સૌથી વધુ અવર-જવર રહેતી હોય તેવા 100 જેટલા સ્થળોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન-અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા ડાયાબિટીસ અંગે જાગૃતિ અભિયાન ચલાવાશે. જેમાં મફત બ્લડ સુગર સ્ક્રીનિંગ, મફત બ્લડ પ્રેશર ચેક અપ, ફિટનેસ સત્ર સહિતનો સમાવેશ થાય છે.

