ભારતીય મૂળના અમેરિકન પાચનતંત્ર રોગ નિષ્ણાત એટલે કે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠીએ તાજેતરમાં ત્રણ એવા ખાદ્ય પદાર્થોના ગુણગાન ગાયા છે, જે શરીરને કેન્સર જેવા ભયાનક રોગ સામે શરીરને સ્વાભાવિક રીતે લડવામાં સક્ષમ બનાવે છે. આ પદાર્થો છે ગાજર, લસણ અને બ્રોકોલી. આ પદાર્થો એન્ટીઑક્સિડન્ટ્સ, એન્ટીઇન્ફ્લેમેટરી તત્ત્વો (પ્રદાહરોધક) અને અન્ય પોષક દ્રવ્યોથી સમૃદ્ધ છે, જે શરીરના કોષોના સમારકામ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં યુવા પેઢીમાં પણ કેન્સરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ત્યારે શરીર વિજ્ઞાનના નિષ્ણાતોનું કહેવું છે કે આહાર અને જીવનશૈલી પ્રત્યે ગંભીરતા બતાવવી અત્યંત જરૂરી છે કારણ કે તે ગંભીર રોગોના જોખમને ઘટાડે છે અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પણ જાળવે છે.

પ્રકૃતિનો રંગીન રક્ષકઃ ગાજર
આહારમાં ગાજરનો સમાવેશ કરવાથી ચોક્કસ પ્રકારના કેન્સર– જેવા કે, પેટ, પ્રોસ્ટેટ અને આંતરડા સંબંધિત કેન્સર– થવાની શક્યતા ઘટાડી શકાય છે. આ સુરક્ષાત્મક અસર ગાજરમાં રહેલા વિવિધ સક્રિય સંયોજનોને કારણે થાય છે. ગાજરમાં મુખ્યત્વે કેરોટીનોઇડ્સ હોય છે, જે કોઈપણ વનસ્પતિને તેજસ્વી રંગ આપતું એન્ટીઑક્સિડન્ટ છે. ગાજરમાં રહેલું બીટા-કેરોટીન શરીરમાં જઈને વિટામિન ‘એ’માં રૂપાંતરિત થાય છે અને કોષોને મુક્ત કણો (ફ્રી રેડિકલ્સ)ને કારણે થતા નુકસાનથી બચાવે છે. અભ્યાસો દર્શાવે છે કે આમ થતાં ફેફસાના કેન્સરનું જોખમ ઘટે છે. એ જ રીતે, ગાજરમાં રહેલું આલ્ફા-કેરોટીન પણ શરીરમાં જઈને વિટામિન ‘એ’માં બદલાય છે, જે કોષોના વિકાસને નિયંત્રિત કરવામાં અને હાનિકારક ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરવામાં સહાયક બને છે.
સુગંધિત, ઘાતક રોગપ્રતિકારકઃ લસણ
લસણનો નિયમિત ઉપયોગ પણ કેન્સરના જોખમને ઘટાડે છે. એનું રહસ્ય તેમાં રહેલા એલિસિન (Allicin) નામના સંયોજનમાં છુપાયેલું છે. જ્યારે લસણને કચડવામાં અથવા કાપવામાં આવે છે ત્યારે આ ઓર્ગેનોસલ્ફર સંયોજન મુક્ત થાય છે. હાર્વર્ડ ગ્રેજ્યુએટ ડૉ. સૌરભ સેઠી જણાવે છે કે, ‘લસણમાંથી મુક્ત થયેલું એલિસિન DNAને સુરક્ષિત રાખવામાં અને અસ્વાભાવિક કોષ વૃદ્ધિને મંદ કરવામાં મદદ કરે છે.’ લસણમાં ડાયલીલ ટ્રાયસલ્ફાઇડ (DATS) જેવા અન્ય સંયોજનો પણ હોય છે, જે કેન્સરગ્રસ્ત કોષોને મારી નાંખે છે. આ પ્રક્રિયાને ‘એપોપ્ટોસિસ’ કહેવાય છે. આ ઉપરાંત, લસણના તત્ત્વો કેન્સરના કોષોનું અનિયંત્રિત વિભાજન અટકાવી શકે છે. ડૉ. સેઠીની સલાહ છે કે એલિસિનનો લાભ મેળવવા માટે લસણને ખૂબ જ તીવ્ર ગરમી પર પકાવવાનું ટાળવું જોઈએ અને તેને કચડ્યા પછી લગભગ 10 મિનિટ સુધી રહેવા દેવી જોઈએ.
હરિત શાકનું પ્રબળ અસ્ત્રઃ બ્રોકોલી
બ્રોકોલીને કેન્સર-વિરોધી ખોરાકની શ્રેણીમાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તે સલ્ફોરાફેન (Sulforaphane) નામના કુદરતી સંયોજનથી ભરપૂર હોય છે, જે કેન્સર કોષોના પ્રસારમાં અવરોધ ઊભો કરે છે. ડૉ. સેઠી સ્પ્રાઉટેડ બ્રોકોલી ખાવાની ભલામણ કરે છે, કારણ કે તેમાં પૂર્ણ વિકસિત બ્રોકોલીના મુકાબલે 100 ગણું વધુ સલ્ફોરાફેન હોઈ શકે છે. તેના પોષક તત્ત્વોને સાચવવા માટે તેને થોડા સમય માટે વરાળમાં રાંધવું વધુ સારું છે. બ્રોકોલીમાં માત્ર સલ્ફોરાફેન જ નહીં, પણ રોગપ્રતિકારક શક્તિ વધારતું વિટામિન ‘સી’, કેન્સરકારક ઉત્સેચકોને અવરોધતા ગ્લુકોસિનોલેટ્સ, કોષ વૃદ્ધિ માટે જરૂરી ફોલેટ અને પાચનતંત્રને નિયમિત રાખતા ફાઇબર જેવા અનેક પોષક તત્ત્વોનો પણ ભંડાર હોય છે.

