નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના નદીકાંઠાના ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
નદીના પાણી ખેતરોમાં ઘૂસી જવાથી છાપરા ગામ સહિત આસપાસના અનેક ગામોમાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સિઝનમાં વાવેલો પાક નાશ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોએ કરેલો ખર્ચ અને તેમની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે.
આ પરિસ્થિતિને કારણે ખેડૂતો ભારે ચિંતામાં છે અને તેઓ સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરીને નુકસાન પામેલા પાક માટે યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે તેવી અપેક્ષા છે. આ મુદ્દે સરકાર વહેલી તકે પગલાં ભરે તેવી અપીલ કરવામાં આવી છે.


