ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું, રીબડા ગુંદાસરા સીમ વિસ્તારમાં આવેલ પ્રિમિયર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં પોલીસે દરોડો પાડતા જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી, ચોંકાવનારી બાબત એ છે કે ઝડપાયેલ શખ્સોમાં ગોંડલ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મનીષ ચનીયાર સહિત 7 આરોપીઓને રોકડ રૂપિયા, વાહનો, મોબાઈલ સહિત 82.76 લાખના મુદ્દામાલ સાથે ધરપક કરી હતી.
મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના માર્ગદર્શન મુજબ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે, ચોક્કસ અને ભરોષાપાત્ર હકિકત મળી કે, ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામની સીમમાં હિતેષભાઈ હરજીભાઈ મણવર, રહે-રાજકોટ વાળાના “પ્રીમીયર એન્ટરપ્રાઈઝ” નામના કારખાનામાં અમુક ઇસમો તીન પતીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમે છે.
જેથી તુરંત જ હકિકત વાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમી રહેલા ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનીષભાઈ દુર્લભભાઈ ચનીયારા (રહે ગોંડલ) તથા કારખાનેદાર હીતેશભાઈ હરજીભાઈ મણવર, લલીતભાઈ ચંદુભાઈ કાનેરીયા, રમેશભાઈ વલ્લભભાઈ મારડીયા, જેમીનભાઈ માધવજીભાઈ ધેટીયા, પ્રતિકભાઈ જ્યંતીભાઈ ભુત, દીલીપભાઈ પ્રાગજીભાઈ અસોદરીયા , (રહે. બધા રાજકોટ)ને રોકડ રૂપિયા 20.21.000 તથા મોબાઈલ ફોન આઠ કિ.રૂ. 6.85.000 તથા ફોર વ્હીલ ત્રણ અને એક્ટિવા એક કિ.રૂ. 55.70.000 મળી કુલ રૂપિયા 82.76.000 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



