સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બળવંતપુરા ગામ નજીક એક સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેના પગલે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ અથડામણ સામાજિક રીતરીવાજ અને લગ્ન બાબતે ઊભી થયેલી અદાવતને કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, હિંમતનગરના જીવાપુર ગામના ઓડ સમાજના લોકોએ બીજા જૂથ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો, જેનું મૂળ કારણ લગ્નની બાબત સાથે જોડાયેલા સામાજિક રીતરીવાજોમાં વિવાદ હોવાનું જણાય છે. પથ્થરમારાની આ ઘટનામાં એક યુવતીને ઇજા પહોંચી હતી. જ્યારે હુમલા દરમિયાન એક કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક બળવંતપુરા પાસે ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પથ્થરમારામાં ઘાયલ થયેલી યુવતીને તાત્કાલિક હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસ હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે કયા ચોક્કસ સામાજિક રીતરીવાજ કે લગ્નની બાબતે આ હિંસક અથડામણ થઈ હતી.
