પાકિસ્તાનમાં હિન્દુઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ ખુલાસો પાકિસ્તાન માનવ અધિકાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં વધુમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ પરનો અત્યાચાર બહુ જ ઝડપથી વધી રહ્યો છે. અનેક હિન્દુ-ખ્રિસ્તી સગીરાઓનું ધર્માંતરણ કરવામાં આવે છે, સગીર વયે જ બળજબરીથી તેમની સાથે લગ્ન કરવામાં આવે છે.
પાકિસ્તાન માનવ અધિકાર પંચ દ્વારા લાહોરમાં એક કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૪-૨૫નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ, ખ્રિસ્તી, અહમદીસ વગેરે પર અત્યાચારોનું પ્રમાણ વધી રહ્યું છે. તેમના ધાર્મિક સ્થળોનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમનું ટાર્ગેટ કિલિંગ પણ વધી રહ્યું છે. સૌથી વધુ પંજાબ અને સિંધ પ્રાંતમાં હિન્દુ યુવતીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. ધર્માંતરણ, બળજબરીથી લગ્ન કરવા તેમજ અપહરણ અને બળાત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે.
એવામાં હવે હિન્દુઓ પર ઇશનિંદાનો આરોપ લગાવીને તેમનું મોબ લિન્ચિંગ કરવાની ઘટનાનું પ્રમાણ પણ વધ્યું છે. હિન્દુઓ પર ગમે ત્યારે ઇશનિંદાનો આરોપ લગાવી દેવાય છે અને કટ્ટરવાદીઓ પોતે જ તેનો ફેસલો કરીને હત્યા માટે હુમલા કરી દે છે. પાક.માં કાયદો વ્યવસ્થા અને કોર્ટો કઇ જ નથી કરી રહ્યા છે. આ રિપોર્ટ બહાર પાડનારી એચઆરસીપી પાકિસ્તાનની સૌથી મોટી અને સૌથી જુની માનવ અધિકાર સંસ્થા છે. આ સંસ્થા કોઇ પણ રાજકીય પક્ષ કે સરકાર સાથે જોડાયેલી નથી. આ સંસ્થાની સ્થાપના મુસ્લિમો દ્વારા કરાઇ હતી અને હાલમાં સંસ્થાના મોટાભાગના સભ્યો પણ મુસ્લિમ છે.
માનવ અધિકાર સંસ્થાએ ન માત્ર હિન્દુઓ પર અત્યાચારને લઇને ચિંતા વ્યક્ત કરી છે સાથે સાથે તેમના રક્ષણ માટે યોગ્ય પગલા લેવા પણ સરકારને ભલામણ કરી છે. આ સંસ્થાએ હિન્દુઓ વિરુદ્ધ કટ્ટરવાદીઓને ભડકાવનારા નેતાઓના ભાષણોનો પણ સમાવેશ કરાયો છે અને તેની આકરી ટીકા કરવામાં આવી છે. સંસ્થાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે લોકોને હિંસા માટે ઉશ્કેરનારા નેતાઓની સામે તાત્કાલીક કડક પગલા લેવાની જરૂર છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓ પર અત્યાચાર મુદ્દે ભારતે પાકિસ્તાનને ઘેર્યું હતું અને ૧૯૭૧ના યુદ્ધ સમયે પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ)માં મહિલાઓ પર જે અમાનવીય અત્યાચાર ગુઝારાયો તેને યાદ કરીને પાક.ની આકરી ટિકા કરી હતી.


