ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના માનવતાભર્યા પ્રયાસોને કારણે પંજાબના લુધિયાણાની એક મહિલા, કુસુમદેવી ધીરજકુમાર, સાત મહિનાના વિયોગ બાદ પોતાના પરિવાર સાથે ફરી મળી શકી છે.
ફેબ્રુઆરી 2025માં ભરૂચના વાગરા નજીક એક અકસ્માતમાં ઘાયલ થયેલી કુસુમદેવીને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અકસ્માતમાં પગમાં ફ્રેક્ચર અને માનસિક અસ્વસ્થતાના કારણે તેઓ હલનચલન કરી શકતા ન હતા. તેમની નાજુક માનસિક સ્થિતિને કારણે યોગ્ય સારવાર પણ શક્ય બની ન હતી.
આ સમયે સેવાયજ્ઞ સમિતિના અનાથ વૃદ્ધાશ્રમે તેમને આશ્રય આપ્યો. અહીંના સ્વયંસેવક હિમાંશુ પરીખે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. શરૂઆતમાં તેઓ મૌન હતા, પરંતુ ધીમે ધીમે તેમની મનોદશા સુધારવા માટે ડૉ. સુનિલ શ્રોત્રીયા દ્વારા માનસિક સારવાર શરૂ કરવામાં આવી. ત્રણ મહિનામાં જ તેમની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો, અને તેઓ પોતાનું સરનામું જણાવી શક્યા.
કુસુમદેવીએ આપેલા સરનામાના આધારે સંસ્થાએ લુધિયાણા પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસની મદદથી તેમના પરિવારને શોધી કાઢવામાં આવ્યો. કુસુમદેવીના પતિ ધીરજકુમારના જણાવ્યા મુજબ, તેઓ 22 જાન્યુઆરી 2025થી ગુમ હતા અને ઘણા પ્રયાસો છતાં તેમની ભાળ મળી ન હતી.
આખરે, સેવાયજ્ઞ સમિતિ અને પંજાબ પોલીસના સહયોગથી કુસુમદેવીનું ભરૂચમાં તેમના પરિવાર સાથે ભાવપૂર્ણ પુનઃમિલન કરાવવામાં આવ્યું. આ માનવીય કાર્યથી એક પરિવાર ફરી એકસાથે થયો અને સેવાયજ્ઞ સમિતિના સેવાકાર્યોને એક નવી ઊંચાઈ મળી છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


