અમેરિકન પ્રમુખ ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવી ચૂક્યા છે અને હવે તેમના નાણા મંત્રી સ્કોટ બેસન્ટે ભારત પર વધુ ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત અને ચીન પર સેકન્ડરી ટેરિફ વધી શકે છે. જ્યારે અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સેક્સે ભારતને અમેરિકા પર વધારે નિર્ભર ન રહેવાની અને બ્રિક્સ સાથે જોડાવવાની સલાહ આપી છે.
ભારત અને ચીન પર ટેરિફ લાગવાનો આધાર હવે અમેરિકા અને રશિયા વચ્ચે ૧૫ ઓગસ્ટે અલાસ્કામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાડીમિર પુતિન વચ્ચેની મુલાકાત પર આધારિત હશે.તેમણે જણાવ્યું હતું કે જી-૭ની બેઠકમાં ચીન પર ૨૦૦ ટકા સુધી ટેરિફ નાખવા વિચારણા થઈ હતી.
બેસન્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પ ઇચ્છે છે કે બેઠક નિષ્ફળ જાય તેવા સંજોગોમાં યુરોપીયન યુનિયન પણ આ પ્રતિબંધોમાં તેની સાથે જોડાય. હવે જો અમેરિકા અને રશિયા વચ્ચેની વાતચીત સફળ થાય છે તો રશિયા સામેના પગલાંમાં ઢીલ આપી શકાય છે. તેની સાથે ભારત અને ચીન પર પણ વધુ ટેરિફ નહીં લાદે.
બીજી બાજુએ અમેરિકન અર્થશાસ્ત્રીનું કહેવું છે કે અમેરિકા હવે ચીન જેટલી ભારતની નિકાસ નહીં સ્વીકારે. અમેરિકા હવે ડીલિંક થવા તરફ આગળ વધી રહ્યુ છે. તે સંરક્ષણવાદ તરફ આગળ વધી રહ્યુ છે. આ સંજોગોમાં ભારત પાસેનો એકમાત્ર રસ્તો બ્રિક્સના મજબૂત સાથીદાર બનવાનો જ છે.તેની સાથે તેમણે જણાવ્યું હતું કે હું લાંબા સમયથી જણાવી રહ્યો છું કે ભારતે તેના વ્યૂહાત્મક સાથીદાર અમેરિકા પર ભરોસો કરવો જોઈએ નહીં. ભારતને પોતાની આગવી સ્વતંત્ર વિદેશ નીતિની જરૂરિયાત છે. તેમણે ટ્રમ્પ અંગે જણાવ્યું હતું કે તે કોઈ રણનીતિજ્ઞા નથી. તે તાર્કિક રીતે વિચારતા પણ નથી. તે ફક્ત આવેગ મુજબ નિર્ણય લે છે. તેમના વિચારોમાં દૂરંદેશી નથી. તેમના પગલાં ટૂંકાગાળાના છે. તેમનું વિઝન લાંબુ નથી. ટ્રમ્પને એવું લાગે છે કે તેમની પાસે કોઈપણ દેશની તુલનાએ વધુ પત્તા છતે ફક્ત શક્તિ પ્રદર્શન કરવા માંગે છે. અમેરિકા એટલે એકળાઈ રહ્યુ છે કે તે પ્રભુત્વ ખોઈ રહ્યું છે. તેના કારણે તે તેનું પ્રભુત્વ ફરીથી સ્થાપવા પ્રયત્નશીલ છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત, રશિયા, ચીન તેને આધીન રહે, બ્રિક્સ ખતમ થઈ જાય પરંતુ આમ થવાનું નથી. વિશ્વ બદલાઈ ગયું છે. તેમાં હવે અમેરિકા રશિયાની સાથે ચીન અને ભારત પણ ઉભરતી મહાશક્તિ છે. આમ ભારતે હવે સ્વતંત્ર વિદેશનીતિ અપનાવતા બાકીના દેશો સાથે સંબંધ વધારવા જોઈએ.


