ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની ટીમે દહેજ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ગેસ બોટલ રીફીલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ ૪૦,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હતા. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરી અને એ.એચ. છેયાની ટીમ દહેજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ગુપ્ત બાતમી મળી હતી કે વડદલા અને જોલવા ગામમાં કેટલીક દુકાનોમાં ગેરકાયદેસર રીતે ગેસનું રીફીલિંગ કરવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સૌપ્રથમ વડદલા ગામે આવેલી દુકાન પર દરોડો પાડ્યો હતો. જ્યાં શંભુલાલ બંસીલાલ ભીલ નામનો શખ્સ એક ગેસ બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા રંગે હાથે ઝડપાયો હતો. આ જ રીતે, જોલવા ગામે દરોડા પાડતા શશી જદુ કેવટ નામનો આરોપી પણ આવી જ પ્રવૃત્તિ કરતો ઝડપાયો હતો. આ બંને આરોપીઓ અત્યંત બેદરકારીપૂર્વક જ્વલનશીલ ગેસનું રીફીલિંગ કરીને પોતાની સાથે અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યા હતા. પોલીસે બંને સ્થળોએથી વિવિધ કંપનીઓની ભરેલી અને ખાલી ગેસ બોટલ, રીફીલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપ, અને ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિત કુલ ૪૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૭ (બેદરકારીથી આગ લગાડનાર જ્વલનશીલ પદાર્થો સાથે વ્યવહાર કરવો) અને ૧૨૫ (અન્યની જિંદગી જોખમમાં મૂકવી) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


