સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપી પાડાયું છે. વન વિભાગની ટીમે ત્રણ હિટાચી મશિન કબજે લઇ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી છે.
સાયલા તાલુકાના જુના જસાપર ગામને આવેલ વન વિભાગની જમીનમાં વ્યાપક પ્રમાણમાં કવોરી વેસ્ટનું ખોદકામ ચાલી રહ્યું હતું. જેની માહિતી મુળી રેન્જ નોર્મલ વિભાગને મળી હતી. જેના અનુસંધાને ફોરેસ્ટ વિભાગ દ્વારા જસાપર ગામે આવેલી નોર્મલ અનામત જંગલમાં તપાસ કરતા ત્રણ જેટલા મશીનો દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. ફોરેસ્ટના નોર્મલ વિભાગ દ્વારા ભાભલુ ભાઈ કલોત્રા (રહે.થોરીયાળી), ગભરૂભાઈ માલાભાઈ ખાંભલા (રહે.રાતડકી), આલાભાઇ વેરશીભાઈ ખાંભલા (રહે.રાતડકી)ના હિટાચી મશીનને ઝડપી પાડવામાં આવ્યા હતા મુળી રેન્જ ઓફિસ ઉપર ત્રણેય મશીન લઈ જઈ સીઝ કરવામાં આવ્યા છે.
જ્યારે નોર્મલ અનામત જંગલમાં મોટા પ્રમાણમાં ખોદકામ થયેલું હોય તેવું સામે આવતા આ વિસ્તારમાંથી કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તે માટે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને તપાસ આપવામાં આવશે. ઝડપાયેલા મશીનોમાંથી આ જમીન ઉપરથી કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તેની તપાસ કરી આ ખોદકામની કાર્યવાહી કોના દ્વારા અને કેટલા સમયથી કરવામાં આવતી હતી તેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે


