સમગ્ર દેશમાં ઉજવાતા ગણેશોત્સવ પર્વની દબદબાભેર ઉજવણી બાદ આજે આહવા, ડાંગ ખાતે ગણેશજીની પ્રતિમાઓનું ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સ્થાપિત થયેલ વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓને ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે વિદાય આપવામાં આવી હતી.
ગણેશ મંડળો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓને વિશાળ શોભાયાત્રા સ્વરૂપે વિસર્જન સ્થળે લઈ જવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. “ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ”ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલે યુવાનો અને ભક્તો ઉત્સાહભેર નાચ્યા હતા. આહવાના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ યાત્રામાં શ્રદ્ધાળુઓએ ગણેશજીના દર્શનનો લાભ લીધો હતો. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે.
આહવા ખાતે તળાવ પાસે પહોંચ્યા બાદ ધાર્મિક વિધિ-વિધાન અનુસાર, ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ આગામી વર્ષે ફરીથી ગણેશજીના આગમનની આશા સાથે તેમને વિદાય આપી હતી. ગણેશ વિસર્જન સાથે ડાંગ જિલ્લામાં ૧૦ દિવસીય ગણેશોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.


