દક્ષિણ આફ્રિકા સામે બુધવારે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમને 4 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 5 વિકેટે 358 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હોવા છતાં, દક્ષિણ આફ્રિકાએ 49.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આ જીત સાથે જ, દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાનો સુવર્ણ અવસર હતો, પરંતુ કેટલીક મોટી ભૂલોને કારણે ટીમે જીતેલી બાજી ગુમાવી દીધી.

ચાલો જાણીએ હારના પાંચ મુખ્ય કારણો.
- કંગાળ ફિલ્ડિંગ: ભારતીય ટીમની ફિલ્ડિંગ ખૂબ જ નિરાશાજનક રહી. યશસ્વી જયસ્વાલે એડન માર્કરમનો કેચ ત્યારે છોડ્યો જ્યારે તે 53 રન પર રમી રહ્યો હતો. આ જીવનદાનનો ફાયદો ઉઠાવીને માર્કરમે 110 રનની શાનદાર સદી ફટકારી, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. આ સિવાય, રવીન્દ્ર જાડેજા જેવા શ્રેષ્ઠ ફિલ્ડરે પણ બે વખત ભૂલો કરી, જેના કારણે દક્ષિણ આફ્રિકાને વધારાના રન મળ્યા.
- 2. સામાન્ય કક્ષાની બોલિંગ:
- ભારતીય બોલરો ખૂબ જ મોંઘા સાબિત થયા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2 વિકેટ જરૂર લીધી, પરંતુ તેણે 85 રન આપ્યા. તેવી જ રીતે, હર્ષિત રાણાએ 70 અને કુલદીપ યાદવે 78 રન લુટાવ્યા. રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે 11 ઓવરમાં 69 રન આપ્યા પરંતુ કોઈ વિકેટ મેળવી શક્યા નહીં. માત્ર અર્શદીપ સિંહ જ થોડો પ્રભાવશાળી રહ્યો, જેણે 54 રન આપીને બે વિકેટ ઝડપી.
- 3. ટોસની કમનસીબી અને ઝાકળ:
- આ મેચમાં પણ ટોસ ભારતના પક્ષમાં રહ્યો ન હતો. વન-ડે ક્રિકેટમાં ભારત સતત 20મી વખત ટોસ હાર્યું હતું, જે એક નકારાત્મક મુદ્દો રહ્યો. ટોસ હારવાને કારણે ભારતે પ્રથમ બેટિંગ કરવી પડી. બીજી ઇનિંગ્સમાં ઝાકળ પડવાને કારણે બોલ ભીનો થઈ રહ્યો હતો, જેનાથી બોલરોને મુશ્કેલી પડી અને બેટિંગ સરળ બની ગઈ.
- 4. છેલ્લે છેલ્લે ધીમી બેટિંગ
- 40 ઓવરના અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે 284 રન હતો. અહીંથી ટીમ ઓછામાં ઓછા 375 રન સુધી પહોંચી શકે તેમ હતી. પરંતુ, દક્ષિણ આફ્રિકાના બોલરોએ અંતિમ 10 ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને ભારતીય ટીમને માત્ર 74 રન જ બનાવવા દીધા. જો ભારતે 20-30 રન વધુ બનાવ્યા હોત, તો મેચનું પરિણામ અલગ હોઈ શકત.
- 5. ડેવાલ્ડ બ્રેવિસની વિસ્ફોટક ઇનિંગ્સ
- ભલે એડન માર્કરમે સદી ફટકારી, પરંતુ મહેમાન ટીમ માટે સૌથી વધુ અસરકારક ઇનિંગ્સ ડેવાલ્ડ બ્રેવિસે રમી. બ્રેવિસે માત્ર 34 બોલમાં 5 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 54 રન ફટકારીને મેચનું પાસું પલટી નાખ્યું. જો ભારતીય ટીમ તેની વિકેટ જલદી મેળવી લેત તો મેચ ભારતના પક્ષમાં આવી શકત.

