
ભારત હાલમાં કતાર પાસેથી સૌથી વધુ પ્રમાણમાં, ક્રૂડ ઓઇલની આયાત કરે છે. તેના પછી તે અમેરિકા પાસેથી બીજા નંબરે ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ૨૦૨૩ પછી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં અમેરિકાનો હિસ્સો વધ્યો છે. જ્યારે ત્રીજા નંબરનું સપ્લાયર યુનાઇટેડ આરાબ અમીરાત છે. એક સમયે તે બીજા નંબરે હતું, પરંતુ અમેરિકાનો હિસ્સો વધતા તેનો હિસ્સો ઘટયો છે. ૨૦૨૪માં ભારતની અમેરિકામાંથી થતી એલએનજી આયાતમાં ૨૦૨૨ની તુલનાએ ૫૫ ટકા વધીને ૨૫૬.૦૫ અબજ ક્યુબિક ફીટ કે ૭.૨૫ અબજ ક્યુબિક મીટર થઈ હતી. આ સાથે ભારતની કુલ એલએનજી આયાતમાં અમેરિકાનો હિસ્સો વધીને ૨૧ ટકા થઈ ગયો હતો. તે યુએઇને હટાવીને બીજા ક્રમે આવી ગયું હતું.
રશિયાના નાયબ વિદેશપ્રધાન ડેનિસ મંટુરોવે જણાવ્યું હતું કે રશિયા ભારતને લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) વેચવા વિચારી રહ્યું છે. તેની સાથે રશિયા ભારત સાથે પરમાણ ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા પણ તૈયાર છે. હવે અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો છે તેને રશિયાએ ગેરકાયદે ગણાવ્યું છે અને ભારતને સમર્થન આપ્યું છે. રશિયાએ જણાવ્યું હતું કે દરેક સાર્વભૌમ દેશને તેના ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. આ જોતા આગામી દિવસમાં ભારત રશિયા સાથે ક્રૂડ ઓઇલ પછી એલએનજીની આયાતની ડીલ કરે તેવી અટકળો છે. આ બધા વચ્ચે ભારતના વિદેશપ્રધાન એસ જયશંકર રશિયન પ્રમુખ પુતિનને મળ્યા હતા. તેમનું ત્યાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકરે રશિયન કંપનીઓને ભારત આવવા નિમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા જેવી પહેલના કારણ રશિયન કંપનીઓ પાસે ભારતના વિકાસની તકોનો તેમના ફાયદામાં ઉપયોગ કરવા સોનેરી તક છે. જયશંકરે જણાવ્યું હતું કે ૪ ટ્રિલિયન ડોલરથી પણ વધુ જીડીપી ધરાવતું ભારત સાત ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. ભારતનું માળખાકીય સ્વરૂપ તે કંપનીઓને સારી તક પૂરી પાડે છે, જેનો તેમના દેશમાં સારો રેકોર્ડ છે. તેમણે જણાવ્યું હતું કે ભારત રશિયાની મિત્રતાને આખી દુનિયા માને છે. અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર અને રાજકીય સંબંધોમાં આવેલા અવરોધ પછી આખું વિશ્વ જ નહીં અમેરિકાના નિષ્ણાતો પણ ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા કરી રહ્યા છે. બંને દેશ વચ્ચે બગડતા સંબંધોનું ઠીકરું ટ્રમ્પના માથા પર ફોડવામાં આવી રહ્યું છે. પ્રસિદ્ધ અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૈક્સે ભારત પર ટેરિફ લગાવવાના ટ્રમ્પ તંત્રની આકરી ટીકા કરી છે. તેમણે તેમને અમેરિકન વિદેશ નીતિનું અત્યંત મૂર્ખામીભર્યું પગલું ગણાવ્યું છે. તેણે જણાવ્યું હતું કે આ આત્મઘાતી પગલું છે. તેના કારણે એશિયામાં અમેરિકાના સૌથી મહત્ત્વના સંબંધોને તે ફટકો મારે છે. તેણે જણાવ્યું હતું કે ટ્રમ્પના નિર્ણયના કારણે બ્રિક્સ દેશો પહેલા ન હતા તેટલા એક આજે થઈ ગયા છે. તેમનામાં જબરદસ્ત એક્તા આવી છે. અમેરિકા આ રીતે ભારત પર પ્રતિબંધ લાદીને પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યું છે.
– ચીન અને ભારત એશિયાના વિકાસના ડબલ એન્જિન : ફેઈહોંગ
નવી દિલ્હી: ચીનના ભારત ખાતેના રાજદૂત ઝુ ફેઇહોંગે અમેરિકા પર ટેરિફને લઈને દાદાગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ચીને જણાવ્યું હતું કે હંમેશા મુક્ત વેપારનો સૌથી વધુ લાભ મેળવનાર દેશ હવે ટેરિફનો ઉપયોગ બાર્ગેઇન ચિપ તરીકે કરી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે ટેરિફના મુદ્દે ચીન ભારતની પડખે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચીન અને ભારત એશિયાના વિકાસના ડબલ એન્જિન છે. ચીને જણાવ્યું હતું કે તેઓ વેપારના મોરચે કોઈપણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો સંપૂર્ણ વિરોધ કરે છે. આ રીતે તે ભારત પર લાદેલા ૫૦ ટકા ટેરિફનો વિરોધ કરે છે.

