ચીનના તિઆનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓની બેઠક યોજાઈ. એસસીઓના ઘોષણાપત્રમાં પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હતી અને મૃતકોના પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું હતું. કૂટનીતિની રીતે આ ભારતની તરફેણની નોંધપાત્ર ગણાય. પાકિસ્તાનની હાજરીમાં જ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે યજમાન દેશ ચીનના પ્રમુખ જિનપિંગે પણ આતંકવાદ અને ઉગ્રવાદની ટીકા કરી હતી.
ચીનમાં એસસીઓ સમિટના ભાગરૂપે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બંને દેશોના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સત્તાવાર બેઠક શરૂ થઈ તે પહેલાં પુતિન અને મોદીએ ૪૫ મિનિટ સુધી અનૌપચારિક વાતચીત કરી હતી. આ ‘સિક્રેટ’ વાતચીતમાં ક્યા મુદ્દે ચર્ચા થઈ તે બાબતે અનેક અટકળો થઈ રહી છે. પુતિન-મોદીની દોસ્તી સમિટમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. સોશિયલ મીડિયામાં પણ બંનેની ક્લિપ્સ વાયરલ થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ પુતિન એક જ કારમાં દ્વિપક્ષીય બેઠક સ્થળ સુધી આવ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આ વાર્ષિક સમિટની સમાંતરે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. તે પહેલાં મીટિંગના સ્થળે જવા માટે પુતિને મોદીની ૧૦ મીનીટ સુધી રાહ જોઈએ હતી. સ્થળ સુધી પહોંચી ગયા પછીય બંને નેતાઓ કારમાં બેસીને જ સિક્રેટ વાતો કરતા રહ્યા. મીટિંગ શરૂ થઈ તે પહેલાં લગભગ ૪૫ મિનિટ સુધી બંને વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી. ચીનના મીડિયામાં પણ આ સિક્રેટ ટોકની ચર્ચા ચાલી હતી.
ભારત-રશિયા વચ્ચે ઉર્જા, ફાયનાન્સ સહિત આર્થિક સહયોગ વધારવા માટે સંમતિ થઈ હતી. પીએમ મોદીએ રશિયા-ભારતના સંબંધો બાબતે કહ્યું હતું કે પ્રાદેશિક તેમ જ વૈશ્વિક સ્થિરતા માટે ભારત-રશિયાની દોસ્તી આધારસ્તંભ છે. ભારત અને રશિયા ઘણા ક્ષેત્રોમાં ખભેખભો મિલાવીને સહયોગઆપે છે અને હંમેશા આપતું રહેશે. પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધવિરામની તરફેણ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે પ્રયાસો થઈ રહ્યા છે તેને ભારતનું સંપૂર્ણ સમર્થન છે. ભારત હંમેશાથી શાંતિની તરફેણ કરે છે અને બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે એવી આશા રાખે છે. પીએમ મોદીએ પુતિનની સંભવિત ભારત યાત્રાના સંદર્ભમાં કહ્યું હતું કે ભારતના ૧૪૦ કરોડ લોકો ડિસેમ્બરમાં પુતિનનું ભારતમાં સ્વાગત કરવા ઉત્સુક છે. મોદીએ સોશિયલ મીડિયામાં પણ તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે આપને મળીને હંમેશા આનંદ થાય છે.
રશિયન પ્રમુખ પુતિને પણ ભારતને ભરોસેમંદ મિત્ર ગણાવીને કહ્યું હતું કે ભારત-રશિયાની દોસ્તી વિશ્વાસના પાયા પર બની હોવાથી દિવસે દિવસે મજબૂત થઈ રહી છે. પુતિને યુક્રેન યુદ્ધના સંદર્ભમાં યુરોપ-અમેરિકાને દોષ આપતા કહ્યું કે યુક્રેનને નાટોનું સભ્ય બનાવવાની તજવીજ પશ્વિમના દેશો કરી રહ્યા હોવાથી રશિયાની સુરક્ષા માટે યુદ્ધ કરવું પડયું છે. રશિયા ક્યારેય યુદ્ધ કરવા ઈચ્છતું ન હતું.
મોદી-પુતિન-જિનપિંગની ત્રિપુટી એસસીઓ સમિટમાં છવાઈ ગઈ
એસસીઓ સમિટમાં તો પાકિસ્તાન, માલદિવ્સ, તુર્કી, પાકિસ્તાન, તાજિકિસ્તાન, કઝાખ્સ્તાન, ઈરાન, બેલારૂસ સહિત ઘણાં દેશોના નેતાઓ હાજર હતા, પરંતુ એમાં યજમાન ચીનના પ્રમુખ જિનપિંગ, રશિયન પ્રમુખ પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રિપુટી છવાઈ ગઈ હતી. ત્રણેય એકલાએ એકબીજા સાથે વાતચીત કરી. એ પછી હાથ મેળવ્યા. એ વખતનો વીડિયો અને ફોટો વાયરલ થયો. એટલું જ નહીં, ત્રણેય એકઠા થયા હતા એ જગ્યાએ પછીથી બીજા લીડર્સ પણ આવ્યા એટલે આ ત્રિપુટી આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. ત્રણેય વચ્ચેની કેમેસ્ટ્રી પણ ધ્યાનાકર્ષક હતી.
અમેરિકાએ ભારત પર ટેરિફ લગાડયો છે તે પહેલાંથી જ ચીન સામે તો ટ્રેડ વોર ચાલી જ રહી છે. રશિયા પર યુક્રેન યુદ્ધના કારણે કેટલાય પ્રતિબંધો અમેરિકાએ લગાવી દીધા છે. આવી સ્થિતિમાં આ ત્રણ શક્તિશાળી દેશોના નેતાઓ પર આખી દુનિયાની નજર હતી.


