WORLD : અમેરિકામાં મોંઘવારીમાં બેફામ વધારો, ટ્રમ્પને હાથના કર્યા હૈયે વાગ્યા, ટેરિફ વૉર ભારે પડ્યું

0
75
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારથી દુનિયાના દેશો પર ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું હતું. ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ પર સૌથી વધુ 50-50 ટકા ટેરિફ નાંખવાની સાથે દુનિયાના દેશો પર 10 થી 41 ટકા સુધીના ટેરિફ નાંખ્યા છે. ટ્રમ્પે છ વખત ટેરિફનો અમલ મોકૂફ રાખ્યા પછી આખરે 7 ઑગસ્ટથી ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ટેરિફની અબજો ડોલરની આવકથી અમેરિકાની તિજોરી છલકાઈ જશે. બીજીબાજુ અર્થશાસ્ત્રીઓ ટેરિફથી અમેરિકન અર્થતંત્રને જ મોટું નુકસાન થશે તેમ જણાવે છે. હવે અમેરિકાના નાગરિકોને પણ જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થવાની ચિંતા સતાવા લાગી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં નાગરિકોને વચન આપ્યું હતું કે તેઓ મોંઘવારી ઘટાડશે અને કરિયાણાના સામાન સહિત જીવનજરૂરી વસ્તુઓના ભાવ ઘટાડશે. પરંતુ ટ્રમ્પના ટેરિફના અમલ સાથે હવે અમેરિકનોને પણ ખ્યાલ આવી ગયો છે કે અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડો નહીં થાય. દેશમાં કરિયાણા સહિત જીવનજીરૂરી વસ્તુઓના વધતા ભાવ તેમને પરેશાન કરતા જ રહેશે. ટ્રમ્પના ટેરિફની દુનિયા પર અસર દેખાવા લાગી છે ત્યારે અમેરિકનો પણ તેની નકારાત્મક અસરોથી અછૂતા નથી રહ્યા.

અમેરિકાની યેલ યુનિવર્સિટીની બજેટ લેબના અંદાજ મુજબ અમેરિકામાં સરેરાશ ટેરિફ રેટ 18.3 ટકા થઈ ગયો છે. આ પહેલા 1909 માં અમેરિકામાં સરેરાશ ટેરિફ રેટ 21ટકા હતો. એટલે કે વર્તમાન ટેરિફ 100 વર્ષમાં સૌથી વધુ છે. ટેરિફ વધવાના કારણે આ વર્ષે અમેરિકન પરિવારોનો સરેરાશ ખર્ચ 2400 ડોલર વધી જશે. તેઓ પહેલા વિદેશમાંથી આવતો સામાન 100 ડોલરમાં ખરીદતા હતા તેના હવે 118.3 ડોલર ચૂકવવા પડશે.

બજેટ લેબ મુજબ ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકાનો જીડીપી 0.5 ટકા ઘટી શકે છે. તેનો અર્થ એ કે 28 લાખ કરોડ ડોલરના અર્થતંત્રને એક વર્ષમાં 140 અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. 16.6 લાખ કરોડનું નુકસાન થવાની આશંકા છે. અમેરિકન મીડિયાના એક સરવે મુજબ હાલના સમયમાં અડધાથી વધુ અમેરિકનો ખાવા-પીવાની વસ્તુઓના વધતા ભાવ અંગે ચિંતિત છે. 53 ટકા લોકોનું કહેવું છે કે કરિયાણાના સામાનના ભાવ તેમના માટે સૌથી મોટી ચિંતાની બાબત છે.

સરવે પરથી જાણવા મળ્યું છે કે અમેરિકનો વિશેષરૂપે ઈંડા, બીફ, નારંગીના જ્યૂસ અને અન્ય વસ્તુઓના ભાવમાં તીવ્ર ઉછાળાથી ચિંતિત છે. ટ્રમ્પના ટેરિફના કારણે વિદેશથી આવતા ફળ, ડબ્બાબંધ સામાન, કોફી અને અન્ય વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. અમેરિકા મોટાભાગે આયાતી વસ્તુઓ પર નિર્ભર દેશ છે. ત્યાં પીવાના પાણીની પણ આયાત થાય છે. અગાઉ અમેરિકામાં આવતા સામાન પર સરેરાશ 10 ટકા ટેરિફ લાગતો હતો. પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના ફૂડ ઈકોનોમિસ્ટ ડેવિડ ઓર્ટેગાએ કહ્યું કે ટ્રમ્પના કરિયાણાના સામાનના ભાવમાં ઘટાડાનું વચન પૂરું થયું નથી. તેનાથી લોકો નિરાશ થયા છે. ટ્રમ્પની વેપાર નીતિઓના કારણે હવે લોકોનો તેના પરથી ભરોસો ઘટી રહ્યો છે.

અર્થશાસ્ત્રીઓ મુજબ મોંઘવારી વધવામાં થોડોક સમય લાગે છે. કંપનીઓનો સ્ટોક ખતમ થશે પછી ટેરિફની અસર વધુ સ્પષ્ટ રીતે દેખાવા લાગશે. કંપનીઓનું કહેવું છે કે લોકો પાસે નાણાં નથી. તેઓ ખરીદી ઓછી કરી રહ્યા છે. નાના પેક ખરીદે છે અને બીનજરૂરી ખરીદી બંધ કરી છે. સાથે જ તેમણે બહાર ખાવાનું બંધ કરીને ઘરે જ ખાવાનું શરૂ કર્યું છે. અર્થશાસ્ત્રીઓ મુજબ આ પરિવર્તનો ચિંતાજનક છે, જે આર્થિક મંદીના સંકેત આપે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here