ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલની સુરક્ષા પરિષદે પણ ગાઝા પર કબજો કરવાની મંજૂરી આપી છે.
આ નિર્ણય શુક્રવારે લેવામાં આવ્યો હતો. જેના કારણે છેલ્લા 22 મહિનાથી ચાલતુ ગાઝા યુદ્ધ વધુ તેજ થવાની આશંકા છે. વડાપ્રધાન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું હતું કે હમાસનો નાશ કરવા માટે ઇઝરાયલ ગાઝા પટ્ટી પર સંપૂર્ણ કબજો કરવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગાઝા પર કબજાની સાથે તેને સહયોગી અરબ દેશોને સોંપી દેવામાં આવશે.
ઇઝરાયલમાં જ સરકારના નિર્ણયનો વિરોધ
ગાઝામાં ઇઝરાયલની સૈનિક કાર્યવાહી વધારવાને કારણે ત્યાં રહેતા લાખો પેલેસ્ટિની લોકોને અને ઇઝરાયલના 20 બંધકોને ગંભીર જોખમ ઊભું થયેલું છે. ગાઝાના ત્રણ ચોથા ભાગ પર પહેલેથી જ ઇઝરાયલનો કબજો છે. હવે ગાઝામાં ઓપરેશન ઝડપી બનાવવાના સરકારના નિર્ણયનો ઇઝરાયલમાં જ વિરોધ શરૂ થયો છે. બંધકોના પરિવારજનોને ભય છે કે યુદ્ધ વધશે તો તેઓ પોતાના પ્રિયજનોને હંમેશા માટે ગુમાવી દેશે.
ઇઝરાયલની મુશ્કેલી વધી શકે છે
એક ઈન્ટરવ્યુમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ગાઝા પર કબજા કરવાની વાત કહી હતી અને ઉમેર્યું હતું કે તેઓ હમાસને પૂરેપૂરો હટાવીને ત્યાંના લોકોને આઝાદી આપશે. તેમણે કહ્યું કે અમે ગાઝા પર કાબૂ રાખવા માગતા નથી. અમે તેને અમારા અરબ સહયોગીઓને સોંપી દેશું જેથી તેઓ ત્યાંનું શાસન સંભાળી શકે. જેના કારણે ત્યાંના લોકોનું જીવન સુધરે અને અમારી સુરક્ષા પર પણ ખતરો ન રહે.