જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક શ્રમિક પરિવારના દસ વર્ષના માસુમ બાળક માટે પતંગ જીવલેણ સાબિત થયો છે. ભીની જમીન પર પતંગ ઉડાવી રહેલા બાળકનો પતંગ વીજ તારમાં ફસાઈ જતાં તેમાંથી વીજ આંચકો લાગ્યો હતો. બાળકનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું હતું. જેથી શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે રહીને મજૂરી કામ કરતાં કમજીભાઈ અદુભાઈ બારીયા નામના 40 વર્ષના શ્રમિક યુવાનનો 10 વર્ષનો પુત્ર રોહિત બારીયા સવારના 10.00 વાગ્યાના અરસામાં પડાણા ગામના પાટીયા પાસે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવી રહ્યો હતો. જે સ્થળે જમીન ભીની હતી અને તેના પર ખુલ્લા પગે પતંગ ઉડાવતો હતો.દરમિયાન તેનો ઉડતો પતંગ ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઇનમાં ફસાઈ જતાં તેને એકાએક વીજ કરંટ લાગ્યો હતો. વીજ શોક લાગવાથી રોહિત બેભાન થઈ ગયો હતો. બાળકને તત્કાલ સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પાંચમી તારીખે તેનું મૃત્યુ થયું હતું. જેને લઈને શ્રમિક પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.
આ બનાવ અંગે મૃતક બાળક રોહિતના પિતા કમજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા પોલીસ હૉસ્પિટલમાં દોડી ગઈ હતી અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

