જામનગરના પોશ ગણાતા વાલકેશ્વરી નગરી વિસ્તારમાં મજૂરી કામ કરતી એક પરપ્રાંતિય શ્રમિક મહિલાના મૃત્યુને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. શંકાસ્પદ હાલતમાં રિક્ષામાં લઈ જવાતા મૃતદેહને પોલીસે શાક માર્કેટ વિસ્તારમાં અટકાવી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆની વતની અને હાલ મોરકંડા રોડ પર રહેતી 34 વર્ષીય રવિનાબેન મંગલિયા વાલકેશ્વરી નગરીમાં એક બાંધકામના સ્થળે મજૂરી કામ કરતી હતી. શુક્રવારે (27મી ફેબ્રુઆરી) સાંજે તે રહસ્યમય સંજોગોમાં બેશુદ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ તેને એક રિક્ષામાં નાખીને લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન શાક માર્કેટ પાસે પેટ્રોલિંગમાં રહેલા સિટી એ-ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેમના સ્ટાફને શંકા જતાં તેમણે રિક્ષા અટકાવી હતી. તપાસ દરમિયાન રિક્ષામાં મહિલા મૃત હાલતમાં જણાઈ આવતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ ઘટના સિટી બી-ડિવિઝન પોલીસના કાર્યક્ષેત્રમાં આવતી હોવાથી તપાસ તેમને સોંપવામાં આવી છે. આજે સવારે જી.જી. હોસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ ન થતાં તબીબોએ વિસેરા (શરીરના અંગોના નમૂના) લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના પતિ રાકેશ મંગલિયા અને રિક્ષાચાલક આફતાબ શેખની પૂછપરછ શરૂ કરી છે.
ભરચક શાક માર્કેટ વિસ્તારમાં જ્યારે પોલીસે રિક્ષા અટકાવી અને તેમાંથી મૃતદેહ મળી આવ્યો, ત્યારે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બાંધકામના સ્થળે મહિલાનું મૃત્યુ કેવી રીતે થયું અને તેને હોસ્પિટલને બદલે રિક્ષામાં ક્યાં લઈ જવામાં આવી રહી હતી, તે મુદ્દે રહસ્ય ઘેરાયું છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

