જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતી એક અનુસૂચિત જાતિની મહિલાના ઘરે જઈને 13 જેટલા શખ્સોએ હંગામો મચાવ્યો હતો, અને ઘરના બારી બારણા વગેરે તોડી નાખ્યા હતા, ઉપરાંત તેના પરિવારના બે વાહનોને સળગાવી નાખી નુકસાન પહોંચાડ્યાની તેમજ મહિલાને હડધુત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતી સુમિતાબેન દિનેશભાઈ સિંગરખીયા નામની 50 વર્ષની મહિલાએ પોતાના ઘરમાં આવી લાકડાના ધોકા પાઈપ વડે હંગામા મચાવી ધાક ધમકી આપવા અંગે તેમજ બાથરૂમ તથા મુખ્ય દરવાજાના બારી બારણા તોડી નાખવા અંગે ઉપરાંત પોતાના ઘરના ફળિયામાં રાખવામાં આવેલા બે ટુ-વ્હીલર કે જેને આગ ચાંપી દઈ સળગાવી નાખવા અંગે 13 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સુભાષપરા વિસ્તારમાં રહેતા રીટાબેન ઉર્ફે બેનાબેન રોહિતભાઈ લીંબડ, રોહિત ચંદુભાઈ, જગદીશ વિજયભાઈ વરરાણીયા, જસુબેન સુરેશભાઈ પરમાર, મેહુલ રાજેશભાઈ સાકરીયા, શીતલ કેશુભાઈ વરાણીયા, પૂજા રાજેશભાઈ વરાણીયા, જયેશ સિહોરા, સુમિત રાજુભાઈ વરાણીયા, મિત્તલ સુરેશભાઈ વરાણીયા, દેવરાજ ઉર્ફે બચ્ચું કેસુભાઈ વરાણીયા, જીત રોહિતભાઈ અને મિહિર રાજેશભાઈ વરાણીયા સહિત 13 સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુમિતાબેનના પુત્ર નીતિને આરોપીના પરિવારના સભ્ય ઉપર છરી વડે હુમલો કર્યો હોવાથી તે હુમલાખોર આરોપી નીતિનને શોધવા માટે સમગ્ર પરિવાર સુમિતાબેનના ઘેર આવી પહોંચ્યો હતો અને પોતાને હડધૂત કરવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે. જે મામલે પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

