કડકડતી ઠંડી અને ઝાડીઓ વચ્ચે ત્યજી દેવાયેલા આ માસૂમ બાળકને જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જસદણ તાલુકાના સાણથલી-વાસાવડ રોડ પર સ્થિત એક પેટ્રોલ પંપ પાસે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અહીં રોડની બાજુમાં આવેલી બાવળની ઝાડીઓમાંથી અચાનક બાળકનો રડવાનો અવાજ આવતા આસપાસના સ્થાનિક લોકો દોડી ગયા હતા. તપાસ કરતા ઝાડીઓ વચ્ચે એક નવજાત શિશુ મળી આવ્યું હતું. કડકડતી ઠંડી અને ઝાડીઓ વચ્ચે ત્યજી દેવાયેલા આ માસૂમ બાળકને જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બાળકની હાલતને જોતા તેને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, જસદણ પોલીસે આ ગંભીર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઘટનાસ્થળની આસપાસના અને પેટ્રોલ પંપના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી એ જાણી શકાય કે આ ફૂલ જેવા બાળકને કયા પાષાણ હૃદયના વાલીઓ ત્યાં છોડીને ગયા હતા. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
