WORLD : જેફ બેઝો અને ઇલોન મસ્ક સામે સ્પેસમાં અવકાશયાનોને ઇંધણ પુરું પાડવાનો પડકાર

0
77
meetarticle

પૃથ્વી પરથી ચન્દ્ર અને મંગળના ગ્રહ પર જવાના મિશનો પાર પાડવા માટે અબજોપતિઓ ઇલન મસ્ક અને જેફ બેઝો વચ્ચે હોડ જામી છે પણ તેમના મિશનને સફળ બનાવવા માટે અવકાશમાં સ્પેસયાનને બળતણ ભરી આપે તેવી સુવિધા ઉભી કરવી આવશ્યક છે અને હવે બંને અબજોપતિઓ આવી સુવિધા ઉભી કરવા માટે વિવિધ અખતરાંઓ કરી રહ્યાં છે.

જો અવકાશમાં પેટ્રોલ પંપની ગરજ સારે તેવી સુવિધા મળી રહે તો આ મિશનો સરળ બની રહે તેમ છે. હાલ જ્યારે પૃથ્વી પરથી તેમના રોકેટ અવકાશમાં જાય ત્યારે તેમાં મોટો હિસ્સો બળતણનો હોય છે. ઘણાં નિષ્ણાતોનું માનવું છે કે નાસાના સમયપત્રક અનુસાર આવી સુવિધા સમયસર ઉભી કરવાનું અશક્ય જણાય છે. નાસાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર તેઓ આ પડકારને સમજવા માટે આ બંને કોન્ટ્રેક્ટર્સ સાથે કામ કરી રહ્યા છે.

ઇલોન મસ્કની સ્પેસ એક્સ દ્વારા સ્ટારશિપ સ્પેસક્રાફ્ટમાં બળતણ ટ્રાન્સફરનું ડેમોસ્ટ્રેશન ૨૦૨૪માં ટેસ્ટ ફલાઇટ દરમ્યાન કરવામાં આવ્યું હતું.એ પછી બળતણને બે વાહન વચ્ચે ફેરવવાનું નિદર્શન કરવાનું ધ્યેય હતું પણ જુનમાં ટેક્સાસમાં વિસ્ફોટ સાથે રોકેટ તુટી પડવાને પગલે આ નિદર્શન મોકૂફ કરવું પડયું હતું. બીજી તરફ બેઝોના બ્લુ ઓરિજિન દ્વારા ટ્રાન્સપોર્ટર વાહન વિકસાવવામાં આવી રહ્યું છે. જે ઇંધણને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં લઇ જશે જ્યાં ટ્રાન્સપોર્ટર વિવિધ અવકાશયાનમાં આવી રહેલાં લેન્ડરને ઇંધણ આપી અવકાશયાત્રીઓને ચન્દ્ર ભણી રવાના કરશે. આ મિશનમાં કંપનીના નવા રોકેટ ન્યુ ગ્લેનની ભૂમિકા મહત્વની બની રહેશે.

અવકાશમાં ફરી વપરાશમાં લઇ શકાય તેવા રોકેટ દ્વારા ઇંધણ પુરૂ પાડવાની યોજના કિફાયતી બની રહે તેમ છે. તેનાથી અવકાશયાન સ્પેસમાં લાંબા અંતર સુધી જઇ શકશે અને તેમાં અન્ય જરૂરી સામગ્રી પણ લઇ જઇ શકાશે. જો આ વ્યવસ્થા ન થાય તો સ્પેસમાં માનવજાતની સિદ્ધિઓ મર્યાદિત રહી જાય તેમ છે. ઉદાહરણ તરીકે નાસાના સેટર્ન ફાઇવ રોક્ેટને ચન્દ્ર પર રવાના કરવામાં આવ્યું ત્યારે તેનું વજન ૬૫ લાખ પાઉન્ડ હતું. જેમાં ૫૫ લાખ ટન તો ઇંધણનું વજન હતું. જો અવકાશમાં આ પ્રકારના રોકેટને ઇંધણ મળી રહે તો તેમાં અન્ય સામગ્રી લઇ જવાનું શક્ય બને તેમ છે.

પણ ઇંધણને અવકાશમાં ભરવાનું કામ પેચીદું બની રહે છે. તે જ્વલનશીલ હોઇ તે ગરમ થઇ જવાની પણ સંભાવના રહે છે. તેને અન્ય વાહનમાં ભરવા માટે એકદમ ઠંડું કરવાની જરૂર પડે છે. બ્લુ ઓરિજિનના વિજ્ઞાનીઓએ અવકાશમાં ઇંધણ ગરમ ન થઇ જાય તેવી ટેકનોલોજી વિકસાવી લીધી છે. બીજી મોટી સમસ્યા આ મિશન માટે કેટલાં લોન્ચિંગ કરવા પડે તે છે. કમર્શિયલ જેટ વિમાનોની જેમ રોક્ેટ ઉડાડી શકાય તેવા દિવસો હજી દૂર છે. સ્ટારશિપ હજી પ્રયોગાત્મક તબક્કે છે તો બેઝોનું ન્યુ ગ્લેન હજી સજ્જ થઇ રહ્યું છે. ચન્દ્ર પર અવકાશયાત્રીઓને મોકલવા દસથી માંડી ૪૦ ફલાઇટની જરૂર પડી શકે તેવા અંદાજો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here