ગિરનાર પર્વતના ૬૨૦૦ પગથીયા ઉપર આવેલ ગોરખધુણા ગોરખનાથજીના દલીયાની જગ્યામાં ગઈકાલે અજાણ્યા શખ્સો દ્વારા મૂર્તિને ઉખેડીને ખીણમાં ફેંકી દીધી હતી.ગિરનાર પર્વતના ૬૨૦૦ પગથીયા ઉપર આવેલ ગોરખધુણા ગોરખનાથજીના દલીયાની જગ્યામાં રવિવારે વહેલી સવારે ચાર અજાણ્યા શખ્સોએ જધન્ય કૃત્ય કરીને અહી બિરાજમાન નાથ સંપ્રદાયના આધિપત્ય દેવની ગોરક્ષનાથજીની મૂર્તિને ઉખેડીને શિરચ્છેદ કરી નીચે ખીણમાં ફેંકી દીધાના બનાવ બાદ આજે સોમવારે સવારે ૧૦ કલાકે કલેકટર, એસપી સહિતના તંત્રએ સાધુ-સંતોની હાજરીમાં વિધિવિધાન સાથે મંદિરમાં ફરીથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ગિરનારની ટૂંક ઉપર બિરાજમાન ગોરક્ષનાથજી મંદિરમાં રવિવારે પરોઢિયે બનેલી ઘટનાએ સમગ્ર સાધુ સમાજને હચમચાવી દીધું છે, જેને લઈને પોલીસ વિભાગે ત્વરિત ચાર અજાણ્યા ઈસમો સામે ભવનાથ પોલીસમાં ગુનો નોધીને ચાર અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે, તો બીજી તરફ આ સમગ્ર મામલે ભારતભરના સાધુ-સમાજમાં ઘેરા રોષની લાગણી ફેલાઈ છે, અને આરોપીઓને ત્વરિત પકડીને કડક સજાની માંગ કરી છે.

જેને લઈને હાલ આજે સવારે ૯.૩૦ કલાકે જિલ્લા કલેકટર અનીલ રાણાવસીયા, એસપી સુબોધ ઓડેદરા, સહિતના તંત્રના અધિકારીઓ ગિરનાર ઉપર ગોરક્ષનાથજીના મંદિર પહોંચ્યા હતા, અને અહી મંદિરના મહંત યોગી સોમનાથજી મહારાજ, પુજારી કૈલાસબાપુ, ઉતારા મંડળના ભાવેશ વેકરીયા, ગિરનાર અંબાજી મંદિરે અન્નક્ષેત્ર ચલાવતા દાહાભાઈ, ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા, અસ્થેયભાઈ પુરોહિત સહિતના આગેવાનો અને સાધુ-સંતોની ઉપસ્થિતમાં ફરીથી મંદિરમાં ગોરક્ષનાથજી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
સવારે ૧૦.૪૫ કલાકે સૌએ વિધિ પૂર્ણ કરીને તળેટીમાં નીચે ઉતર્યા હતા. આ તકે ભાવેશ વેકરીયાએ જણાવ્યું કે, આ નવનિર્મિત મૂર્તિ ખાસ કચ્છથી ત્વરિત મંગાવવામાં આવી છે. અને હાલ તે નાની છે, પરંતુ મોટી મૂર્તિ આવી જશે ત્યારે ફરી વિધિ કરવામાં આવશે, આ તકે કલેકટર, એસપી સહિતનાએ મંદિરમાં પૂજા વિધિમાં જોડાયા હતા, અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

