JUNAGADH : ગાઢ જંગલ છતાં આ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં 25 ટકા વરસાદની ઘટ

0
54
meetarticle

હવામાન વિભાગે ચોમાસાની વિદાયની વિધિવત જાહેરાત કરી છે. જૂનાગઢ શહેર પંથકમાં સીઝનનો 113 ટકા વરસાદ વરસ્યો છે પરંતુ જંગલથી ઘેરાયેલા ગિરનાર પર્વત પર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 24 ઇંચ વરસાદ ઓછો નોંધાયો છે. જિલ્લામાં વરસાદનો ક્વોટા પૂર્ણ થયો છે પરંતુ ગિરનાર પર્વત પર 25 ટકા વરસાદની ઘટ રહી છે.

ચોમાસાની સીઝન પૂર્ણ થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઈ હોવાની પણ જાહેરાત કરી છે. જૂનાગઢ શહેર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા સીઝનનો 113 ટકા વરસાદ વરસ્યો છે. વિસાવદરને બાદ કરતા 8 તાલુકાઓમાં સો ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. વિસાવદરમાં જ 85 ટકા વરસાદ પડતા 15 ટકાની ઘટ થઈ છે. વહીવટી તંત્ર દ્વારા ગત વર્ષથી ગિરનાર પર્વત પર પડેલા વરસાદના આંકડા લેવા માટે પર્વત પર ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે અને રાઉન્ડ ધ ક્લોક વરસાદની માહિતી નોંધવાનું શરૂ કર્યું હતું. ગાઢ જંગલ અને વિશાળ વૃક્ષો ધરાવતા ગિરનાર જંગલ વિસ્તારમાં આ વર્ષે ૧૮૨૫ મીમી એટલે કે ૭૩ ઇંચ વરસાદ વરસ્યો છે. ગત વર્ષે ગિરનાર જંગલમાં 2430 મીમી એટલે કે 97 ઇંચ વરસાદ વરસ્યો હતો.જિલ્લામાં 113 ટકા વરસાદનો ક્વોટા પૂર્ણ થયો પરંતુ  ગિરનાર પર્વતીય ક્ષેત્રમાં વરસાદનો ક્વોટા પૂર્ણ થયો નથી. આ વર્ષે માત્ર 73 ઇંચ વરસાદ પડતા ગત વર્ષની સરખામણીએ 24 ઇંચ વરસાદની ઘટ રહી છે. હવે શિયાળાના પગરવ મંડાઈ ગયા છે. ભવનાથ તળેટીમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદના વાવડ નથી અને ઝાપટા વર્ષે તો પણ ગત વર્ષનો કોટો પૂર્ણ થવાની સંભાવના નહીવત છે. લાખો વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તારમાં ઉલ્ટી ગંગા વહી હોય તેમ ૨૪ ઇંચ વરસાદની ઘટના કારણે પર્યાવરણવિદો પણ અચરજમાં મુકાયા છે. કૃષિ યુનિવસટીના હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસીયાના જણાવ્યા મુજબ વરસાદ માટે પવનની દિશા પણ મહત્વપૂર્ણ બને છે. આ વર્ષે ગિરનાર પર્વત પર સાઉથ વેસ્ટ દિશાથી પવન ફૂંકાયો ન હતો. જેના કારણે પણ વરસાદનું જોર ઓછું રહ્યું હતું. જોકે શહેરની સરખામણીએ તો ગિરનાર પર્વત પર દોઢ ગણો વધુ વરસાદ વરસ્યો છે પરંતુ ગિરનાર પર્વત પર આ વર્ષે મેઘરાજાનું જોર ઘટયું તે પણ સ્વીકારવું રહ્યું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here