કમોસમી વરસાદના કારણે જંગલના રસ્તાઓનું ધોવાણ થયું હોવાથી લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. તેમ છતાં પણ ભવનાથ ક્ષેત્રમાં 50 હજારથી વધુ ભાવિકો પરિક્રમા થશે તેવી આશાએ આવી ગયા છે. પરિક્રમા બંધ રાખવામાં આવી હોવાથી ગિરનાર અને દાતાર પર્વત પર યાત્રિકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. ગિરનારની સીડી યાત્રિકોથી ઉભરાઈ ગઈ છે.
દર વખતે પરિક્રમા શરૂ થવાની હોય, તેના બે-ત્રણ દિવસ પહેલાં સેંકડો યાત્રિકો ભવનાથ ખાતે આવી જાય છે. આ વખતે ભવનાથમાં યાત્રિકોની ભીડ એકઠી ન થાય તે માટે તંત્રએ અગાઉથી જ લોકોને અપીલ કરવાનું શરૂ કરી દીધુ હતું કે, પરિક્રમાનો નિર્ણય થયા બાદ જ યાત્રિકો જૂનાગઢ આવે. આવી જાહેરાત બાદ પણ 50 હજાર જેટલા યાત્રિકો જૂનાગઢમાં ઉમટી પડયા છે. પરિક્રમા થવાની નથી તેવી જાણ થઈ જતા ભવનાથ આવી ગયેલા ભાવિકો ગિરનાર ક્ષેત્રના અલગ-અલગ ધાર્મિક સ્થળોએ જઈ દર્શન કરી રહ્યા છે.

શનિવારે (1 નવેમ્બર) સવારથી જ રોપ-વે મારફત તથા સીડી મારફત ગિરનાર પર જવા માટે એકઠા થઈ ગયા હતા. ગિરનારની સીડી નીચેથી લઈ છેક દત્તાત્રેય સુધી યાત્રિકોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. તેવી જ રીતે દાતાર પર પર્વત પણ સેંકડો યાત્રિકોએ દર્શન કરવા માટે લાઇનો લગાવી હતી.
ભવનાથના અલગ-અલગ આશ્રમો તથા અન્નક્ષેત્રમાં આજે સવારથી ભાવિકોની ભીડ સતત વધી રહી છે. અન્ય રાજ્યમાંથી આવેલા યાત્રિકોને પરત જવા માટે તાત્કાલિક કોઈ વ્યવસ્થા ન હોવાથી બે-ત્રણ દિવસ સુધી તેઓ અલગ-અલગ ધર્મસ્થાનો દર્શન કરશે. જ્યારે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા યાત્રિકો ગિરનાર સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરી પોતાના ગામ પરત જઈ રહ્યા છે. હજુ પરિક્રમા શરૂ થશે તેવી આશાએ અનેક યાત્રિકો ટ્રેન, બસ અને ખાનગી વાહનો મારફત જૂનાગઢ આવી રહ્યા છે. ભવનાથ તળેટીમાં જતા રસ્તા પર દિવસભર યાત્રિકોનું આવન-ગમન શરૂ રહ્યું હતું.
