વિસાવદર તાલુકાના શોભાવડલાની સીમમાં ખોડિયાર માતાજીનાં મંદિરે ચોંકાવનારો હત્યાકાંડ થયો હતો. આ હત્યાકાંડમાં હવે મૃતકના સગા ભાઈ (સગીર) અને માતા સામે ગુનો દાખલ કર્યો છે. સગીરે ગત 16 ઓક્ટોબરે તેના સગા ભાઈ અને ગર્ભવતી ભાભીને પાઇપના ઘા મારી હત્યા કરી નાખી હતી ત્યારબાદ બંનેની લાશને નગ્ન કરી ઘરમાં દાટી દીધી હતી, જ્યારે માતાએ ઘરમાં લોહીના ડાઘ સાફ કરી પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. આ અંગે મૃતક કંચન બહેનના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રિપલ મર્ડરના ગુનામાં સગીર હત્યારા ભાઈની તથા તેની માતાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બિલખા-માણેકવાડા સ્ટેટ હાઇવે પર કાનાવડલા ગામના પાટીયા પાસે શોભાવડલા ગામની સીમમાં ખોડીયાર મંદિરે સગીરે તેના ભાઈ શિવમગીરી દશનામીને ગત 16 નવેમ્બરના સવારે 10 વાગ્યાના અરસામાં માથાના ભાગે લોખંડના પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં શિવમગીરીની પત્ની કંચન બહેન કે જેમને પાંચથી છ માસનો ગર્ભ હતો તેને પણ તે જ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બંનેની હત્યા કર્યા બાદ ખોડીયાર મંદિરમાં આવેલા તેમના મકાનના ઢાળીયામાં ખાડો કરી બંને મૃતકનાં કપડાં કાઢી નગ્ન હાલતમાં દાટી દીધા હતા. ત્યાર બાદ મૃતક ભાઈ-ભાભીના લોહીવાળા કપડાંને સળગાવી દેવામાં આવ્યા હતા.

સગીર તથા મૃતક શિવમગીરીની માતા વિભા બહેન ઉર્ફે બીરમાદેવીને સગીરે સમગ્ર બનાવ અંગે વાત કરી હતી. બાદમાં માતાએ પણ દીકરાનો સાથ આપ્યો અને લોહીના ડાઘ તેમજ લોખંડની પાઇપમાં રહેલા લોહીના ડાઘ સાફ કરી નાંખ્યા હતા. સગીર અને તેની માતા હત્યાકાંડને અંજામ આપી પોતે કંઈ કર્યું જ નથી તેવી રીતે રહેતા હતા. જોકે, આ મામલે મૃતક ગર્ભવતી કંચન બહેનના પિતા બુલબુલકુમાર સિંઘએ જમાઈ અને પુત્રીની હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ પોલીસે માતા અને સગીર પુત્રની ધરપકડ કરી આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સગીરે તેમના ભાભીની હત્યા કરી ત્યારે તેમના પેટમાં રહેલું છથી સાત માસનું બાળક ગર્ભમાંથી બહાર નીકળી ગયું હતું અને તેનું પણ મોત થયું હતું જેના કારણે પોલીસે સમગ્ર હત્યાકાંડમાં ત્રિપલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિસાવદર એએસપી રોહિત ડગરે જણાવ્યું હતું કે, હત્યા ક્યારે કરી અને શા કારણે કરી તે અંગે સગીર અલગ-અલગ દાવાઓ કરી રહ્યો છે. જ્યારે હત્યાને અંજામ આપ્યો ત્યારે તેની માતા હાજર ન હોવાનું મોબાઈલ લોકેશન પરથી માનવામાં આવી રહ્યું છે પરંતુ ત્યારબાદ વિભા હત્યાના પુરાવા નાશ કરવામાં મદદરૂપ થઈ હતી. વિભા પોતે હત્યાકાંડથી જાણકાર હોવા છતાં તેણે કંચન બહેનના પિતા તથા પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરી હત્યાનો બનાવ છુપાવવા મદદ કરી છે.

