જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર નજીક વીજશોકથી મોરનું મોત થતા એક પ્રૌઢ મોરના મૃતદેહને ઉપાડી ગયો હતો અને કટકા કરી મોરના માંસનું શાક બનાવી નાખ્યું હતું!

આ અંગેની વધુ વિગત મુજબ, વનવિભાગના ડુંગર દક્ષિણ રેન્જના રામનાથ રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં પ્રભાતપુર ગામ નજીક ઓઝત નદીના કાંઠા પાસે ગત તા.૨૫ના રાષ્ટ્રીય પક્ષી મોર ૧૧ કેવી વીજલાઈન પર બેસવા જતા આ મોરનું જોરદાર વીજ શોક લાગવાથી મોત થયુ હતું. આ મોરના મૃતદેહને પ્રભાતપુરનો રમણીક દાના ચૌહાણ ઉપાડી ગયો હોવાની અને તેણે કુહાડી વડે મોરના મૃતદેહના કટકા કરી માંસનું શાક બનાવ્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે આર.એફ.ઓ. એ.એ.ભાલીયા સહિતના સ્ટાફે પ્રભાતપુરના રમણીક ચૌહાણને પકડી લઈ તેની પાસેથી મોરના માંસનું શાક અને નદીમાંથી મોરના પીંછા, કપાયેલી ડોક, પાંખ સહિતના અવશેષો કબ્જે કર્યા હતા. વનવિભાગે આજે રમણીક ચૌહાણને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તા.૮ જાન્યુઆરીના સુનાવણી માટે રજૂ કરવા અને ત્યાં સુધી જેલહવાલે કરવા હુકમ કરતા આ પ્રૌઢને જેલહવાલે કરવામાં આવ્યો હતો.

