ગિરનારના ગોરખનાથ શિખર પર ગઈકાલે મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કચ્છમાં આવેલા આશ્રમમાંથી તાબડતોબ મૂર્તિ મંગાવવામાં આવી હતી. આજે સાધુ-સંતો ઉપરાંત કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મંદિરમાં ગોરખનાથજીની નૂતન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

ગિરનારના ગોરખનાથ શિખર પર ગઈકાલે રાત્રે અજાણ્યા શખ્સોએ ગોરખનાથ મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરી હતી. આ જઘન્ય કૃત્ય બાદ સાધુ-સંતો તથા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. મંદિર મૂર્તિ વગર ન રહે અને ત્યાં દૈનિક પૂજાવિધી થઈ શકે તે માટે કચ્છમાં આવેલા ગોરખનાથ આશ્રમ ખાતેથી તાત્કાલિક ગોરખનાથજીની મૂર્તિ તાબડતોબ મંગાવવામાં આવી હતી. આજે ગોરખનાથ મંદિરના મહંત, કલેક્ટર, એસપી સુબોધ ઓડેદરા તેમજ અન્ય ભાવિકોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની નૂતન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અધિકારીઓએ સરકાર વતી સાધુ-સંતોને આરોપીઓને તાકીદે પકડી લેવા ખાતરી આપી હતી. મૂર્તિની વિધીવત સ્થાપના કરવા માટે દિવસો સુધી યજ્ઞા તેમજ અન્ય વિધી કરવી પડે છે. હાલ કામચલાઉ ધોરણે આ મૂર્તિની મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી છે. આગામી સમયમાં વિધીવત રીતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થશે.

