જૂનાગઢ શહેરમાં દીપડાનો આતંક વધતો જાય છે. મીરાનગરમાં દીપડાની લટાર બાદ હવે કૃષિ યુનિવર્સિટીના બિલ્ડીંગોમાં દીપડો ચક્કર મારતો હોય તેવા દ્રશ્યો વાયરલ થયા છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના ધામાથી સ્થાનિકોમાં ફફડાટ છે. વનતંત્રએ છ દિવસથી પાંચ પાંજરા મુક્યા છતાં દીપડો પકડાયો નથી.

ગિરનાર જંગલને અડીને આવેલા જૂનાગઢ શહેરમાં સિંહ, દીપડા, હરણ, ચિંકારા સહિતના પ્રાણીઓ લટાર મારતા હોવાની ઘટના જુની છે. શહેરના છેવાડાના તમામ વિસ્તારોમાં સિંહ શિકાર કરી રહ્યા છે, હવે દીપડાઓ પણ શહેરની ગીચતા વાળી સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં શિકારની શોધમાં ચડી આવે છે. થોડા દિવસ પહેલા કલેક્ટર કચેરી પાછળ આવેલા મીરાનગર વિસ્તારમાં રહેણાંક મકાન પાસે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા ત્યાં આજે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના પરીતળાવ નજીક આવેલી હોસ્ટેલના બિલ્ડીંગમાં દીપડો અંદર ઘુસી ચક્કરો મારતો હોય તેવા સીસીટીવી વાયરલ થયા છે. આ અંગે કૃષિ યુનિ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાની આ ઘટના ધ્યાનમાં આવતા વન વિભાગને જાણ કરી, અગાઉ પણ કૃષિ યુનિ.માં દીપડો બિલ્ડીંગમાં ઘુસી ગયો હતો, અવાર-નવાર કૃષિ યુનિ.ના કેમ્પસમાં દીપડો, સિંહ આવી ચડે છે. આ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મીરાનગરની ઘટનાની ગંભીરતાને ધ્યાને ત્યાં બે પાંજરા મુકી દેવામાં આવ્યા છે, દીપડો જે વિસ્તારમાંથી આવતો હોય તે બાયપાસની નજીક એક પાંજરૂ અને કૃષિ યુનિવર્સિટીમાં બે પાંજરા મુકવામાં આવ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં છ દિવસથી કુલ પાંચ પાંજરાઓ મુકવા છતાં ચપળ દીપડો પાંજરામાં કેદ થતો નથી જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.

