વાનોની આ જોખમી કાર્યવાહીને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ભલે ‘સાહસ’ ગણાવતા હોય, પરંતુ તે વન્યજીવ સંરક્ષણ કાયદાઓ અને સુરક્ષાના નિયમોનો ગંભીર ભંગ છે. ગિરનાર પર્વત વન્યજીવ અભયારણ્ય હેઠળ આવે છે…
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર કેટલાક યુવાનો દ્વારા કરવામાં આવેલા અત્યંત જોખમી કૃત્યનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે લાખો શ્રદ્ધાળુઓ જે સુરક્ષિત પગથિયાં દ્વારા ગિરનાર ચઢે છે, તેની જગ્યાએ આ 6 યુવાનોનું જૂથ પર્વતની ધાર અને ખડકો પરથી પસાર થતા ખતરનાક અને પ્રતિબંધિત રસ્તે ચઢાણ કરતું જોવા મળ્યું હતું. આ વીડિયો બે દિવસ પહેલા જ અપલોડ કરવામાં આવ્યો હતો. યુવાનોનો આ સ્ટંટ સાદા સાહસ કરતાં વધુ ઘેલછા સમાન જણાય છે, કારણ કે આ માર્ગ પર જીવ ગુમાવવાનું જોખમ ઘણું વધારે હોય છે.

યુવાનોની આ જોખમી કાર્યવાહીને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ભલે ‘સાહસ’ ગણાવતા હોય, પરંતુ તે વન્યજીવ સંરક્ષણ કાયદાઓ અને સુરક્ષાના નિયમોનો ગંભીર ભંગ છે. ગિરનાર પર્વત વન્યજીવ અભયારણ્ય હેઠળ આવે છે, અને આ પ્રકારના અનધિકૃત રસ્તે ચઢાણ કરવું એ માત્ર પોતાનો જ નહીં, પરંતુ પર્વત પર હાજર વન્યજીવોની સલામતી માટે પણ ખતરો ઊભો કરે છે. વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ હવે આ યુવાનોને શોધી કાઢીને તેમની સામે વન્યજીવ અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ દંડ અને કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
આ વાયરલ વીડિયોએ ગિરનાર પર્વતની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે. આ યુવાનો કેવી રીતે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ્યા અને આટલું જોખમી ચઢાણ કરવા માટે તેમને કોણે પ્રેરિત કર્યા, તે તપાસનો વિષય છે. યુવાનોએ મોટા જોખમ લઈને એક ખરાબ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે અન્ય લોકોને પણ આવા જોખમી કાર્યો કરવા પ્રેરિત કરી શકે છે. વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આ 6 યુવાનોને શોધી કાઢીને કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ગિરનારની પવિત્રતા અને સુરક્ષા સાથે ચેડાં ન કરે અને જીવનું જોખમ ઊભું ન કરે.
