કર્ણાટકના સૌથી મોટા સેક્સ રેકેટના આરોપી અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ટ્રાયલ કોર્ટે આખરે આજીવન કેદની સજા ફટકારી છે. ફાર્મહાઉસ પર કામ કરતી મહિલા પર અનેક વખત રેપ કરવા અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવાના આરોપ હેઠળ આ સજા આપવામાં આવી છે. સાથે જ પીડિતાને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચુકવવા પણ પ્રજ્વલ રેવન્નાને આદેશ કર્યો હતો.
બેંગલુરુના એડિશનલ સિટી સિવિલ અને સેશન્સ જજ સંતોષ ગજાનન ભટે પ્રજ્વલને સજા ફટકારી હતી, જ્યારે શુક્રવારે કોર્ટે પ્રજ્વલને વારંવાર બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યો હતો. સજા સંભળાવવામાં આવી તે પૂર્વે પ્રજ્વલ રેવન્નાએ કોર્ટમાં આજીજી કરી હતી અને ઓછી સજા આપવા વિનંતી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે એવા આરોપો લગાવાઇ રહ્યા છે કે મે મહિલા પર અનેક વખત રેપ કર્યો, પરંતુ કોઇ જ મહિલાએ સામે ચાલીને મારી વિરુદ્ધ ફરિયાદ ના કરી, જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી તેના છ દિવસ પહેલા જ આ તમામ આરોપો સામે આવવા લાગ્યા. મારે પરિવાર છે, મે મારી માતા કે પિતાને છ મહિનાથી નથી જોયા, હું કોર્ટને વિનંતી કરુ છું કે મને ઓછી સજા આપવામાં આવે. રાજકારણમાં ઝડપથી વિકાસ કર્યો તે મારી એક માત્ર ભુલ હતી. જજે આ તમામ દલીલો ફગાવી હતી અને સજા ફટકારી હતી. જ્યારે પ્રજ્વલને સજા આપવામાં આવી રહી હતી ત્યારે તેના પરિવારનું કોઇ જ કોર્ટમાં હાજર નહોતું રહ્યું.
લોકસભાની ચૂંટણી સમયે પ્રજ્વલ રેવન્નાના સેક્સ રેકેટના ૨૫૦૦ જેટલા વીડિયો સામે આવ્યા હતા, જે બાદ તેની સામે બળાત્કાર સહિતની ચાર ફરિયાદ દાખલ થઇ હતી, જેમાંથી હાલ એક જ કેસમાં સજા ફટકારાઇ છે. પ્રજ્વલ રેવન્ના સામે કુલ આઠ કલમો લગાવાઇ હતી, જેમ કે આઇપીસીની કલમ ૩૭૬(૨)કે વગદાર હોદ્દો ધરાવતા વ્યક્તિ દ્વારા બળાત્કાર, કલમ ૩૭૬(૨)એન વારંવાર બળાત્કાર આ બન્ને કલમો હેઠળ આજીવન કેદની સજા અને ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, ૩૫૪(એ) શારિરીક શોષણ, ૩૫૪(બી) નગ્ન કરવાના ઇરાદાથી બળ પ્રયોગ કરવો આ બન્ને કલમો હેઠળ ત્રણ અને સાત વર્ષની સજા મળી છે, આ ઉપરાંત પુરાવાનો નાશ કરવો અને આઇટી એક્ટની કલમ ૬૬(ઇ) હેઠળ સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવે ગૌડાનો પૌત્ર અને જેડીએસ પક્ષમાં સાંસદ રહી ચુક્યો છે. હાલ કામવાળી પર બળાત્કારના કેસમાં પ્રજ્વલને સજા થઇ છે ત્યારે અન્ય પીડિતાઓ પણ ડર વગર તેની સામે અવાજ ઉઠાવે તેવી શક્યતાઓ છે.


