ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતોના વિકાસ કામો હાલ વિવાદના વમળમાં ફસાયા છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના એક કથિત ‘તઘલખી’ નિર્ણયને કારણે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટો અટવાઈ જતાં ગ્રામ પંચાયતોના સરપંચો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

કપડવંજ તાલુકાના નાગરિક નીતિન પટેલ દ્વારા તંત્રને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત ફરજ બજાવતા હજારો કર્મચારીઓને અચાનક છૂટા કરી દીધા છે. પ્રધાનમંત્રીના ‘ઈ-ગ્રામ સ્વરાજ’ વિઝન હેઠળ ૧૫માં નાણાપંચની જે ગ્રાન્ટો સીધી પંચાયતોને મળવાની હતી, તે વહીવટી ગૂંચને કારણે અટકી પડી છે. પંચાયતોએ વિકાસના કામો માટે બજારમાંથી વેપારીઓ પાસેથી ઉધાર માલસામાન લીધો હતો. હવે ગ્રાન્ટ અટવાતા પેમેન્ટ થઈ શકતું નથી, જેના કારણે બજારમાં સરપંચોની પ્રતિƒા ખરડાઈ રહી છે અને વેપારીઓ હવે ઉધાર આપવા તૈયાર નથી. જો સરકાર સત્વરે આ બાબતે સુધારાત્મક વલણ અપનાવી પંચાયતોના કામો શરૂ નહીં કરાવે, તો આગામી દિવસોમાં સરપંચોએ વિકાસના કામો સંપૂર્ણ બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

