ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વિંઝોલ ગામ પાસે શેઢી નદીમાં ફરી એકવાર જીવલેણ કેમિકલ યુક્ત પાણી ઠલવવામાં આવતા ગંભીર પ્રદૂષણની સમસ્યા સર્જાઈ છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તંત્ર તરફથી કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવતું હોવાના આક્ષેપ ઉઠયા છે. વિંઝોલ ગામના ખેડૂતો, પશુપાલકો અને પર્યાવરણ સામે ખતરો ઊભો થયો છે. પ્રદૂષિત પાણીના કારણે નદીના પાણીમાં ફીણના ગોટેગોટા વળ્યા છે. ફીણની માત્રા એટલી વધી ગઈ છે કે તે હવામાં ફેલાતા સ્થાનિકોના આરોગ્ય માટે પણ ખતરો ઊભો થયો છે.

ડાકોર નજીક આવેલા વિંઝોલ ગામના લોકોએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે, આણંદ જિલ્લાના ઉમરેઠ તંત્ર દ્વારા ૧.૫૦ કિ.મી. લાંબી પાઇપલાઇન મારફતે ગંદા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પ્રદૂષિત પાણી વરસાદી કાંસ દ્વારા સીધું શેઢી નદીમાં નાખવામાં આવતું હોવાના કારણે નદીનું પાણી ઝેરી બની ગયું છે. રાત્રીના સમયે ઉમરેઠ તરફથી આવેલા કેમિકલ ભરેલા વાહનો પણ અહીં આવીને ગુપ્ત રીતે નદીમાં ઝેરી પદાર્થો ઠાલવીને ભાગી જાય છે. શેઢી નદીના પાણીનો ઉપયોગ વિંઝોલ ગામમાં ખેતી માટે કરવામાં આવે છે, પરંતુ કેમિકલ યુક્ત પાણીના કારણે ખેતીની જમીન બિનઉપયોગી બની જવાની નોબત આવી છે. નદીમાં કેમિકલ યુક્ત પાણીથી વિસ્તારના પશુધન બીમાર પડી રહ્યું છે. કેટલાક પશુઓના મોત પણ થયાના કિસ્સા અગાઉ સામે આવ્યા છે. આ સમસ્યા ઘણા સમયથી છે, ગ્રામજનોની વારંવાર રજૂઆતો છતાં જીપીસીબી કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી. પ્રદૂષિત પાણી પર્યાવરણને જ નહીં, પરંતુ જળ ોત અને પશુ-પંખી, માનવજાતને પણ ખતરો ઊભો કરી રહ્યું છે. ખેડા જિલ્લાની નદીઓમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠલવાતું હોવાની સમસ્યામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બેધ્યાન હોય અને કેમિકલ માફિયા બેફામ બન્યા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.

