ડાકોરમાં નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટદારોની બેદરકારી સામે આવી છે. છેલ્લા ચાર મહિનાથી ખોદી નાખેલા રસ્તાઓ અને ગટરની નબળી કામગીરીને કારણે ૨૦૦૦થી વધુ મકાનોના રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ‘પત્રમ્પુષ્પમ્’નો વહેવાર ચાલતો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે.

ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર ૩ અને ૪ માં વર્ષોેથી ગટર ઉભરાવવાની સમસ્યા છે. અગાઉ ચીફ ઓફિસર સંજયભાઈ પટેલને અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આવતા રહીશોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવ્યા હતા. તે સમયે ભાજપના જિલ્લા ઇન્ચાર્જ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સ્થળ પર દોડી આવી ખાતરી આપી મતદાન કરાવ્યું હતું. જોકે, એક વર્ષ વીતવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે નવી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી છે. ડાકોર નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરી એજન્સી માટે ટેન્ડર બહાર પડયું હતું, જે ટેન્ડર સાંઈ કન્ટ્રકશન નામની એજન્સીને લાગ્યું હતું. જે એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વાર ચાર મહિનાથી રસ્તો ખોદી કાઢયો હતો અને જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જે ગટરનું કામ કરવામાં આવ્યું છે તેમાં એજન્સી દ્વારા સોળ લાખના ખર્ચે કામ કરવામાં આવ્યું હતું, જે કામમાં એજન્સી દ્વારા વેઠ ઉતારવામાં આવી છે, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે અને ચાલુ કામે એકપણ વખત ચીફ ઓફિસર અથવા એન્જિનિયરે સ્થળ મુલાકાત કરી નહતી અને ઓફિસમાં બેસીની ‘પત્રમ્પુષ્પમ્’ના વ્યવહારો કરવામાં આવી રહ્યાંના આક્ષેપો થઈ રહ્યાં છે. સમગ્ર બાબતે ડાકોર નગરપાલિકાના રહીશો મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી ચૂકયા છે, છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

