નડિયાદના મંજીપુરા વિસ્તારમાં રહેતા અને દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા જય પાટીલ નામના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક વિદ્યાર્થીની સ્યુસાઈડ નોટમાં કોઈ ‘મેડમ’નો ઉલ્લેખ હોવાનું બહાર આવતા સમગ્ર મામલો ગરમાયો છે. કોલેજ પ્રશાસને તાત્કાલિક અસરથી હાઈલેવલ તપાસ સમિતિની રચના કરી છે.

દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા જય વિજયકુમાર પાટીલના આપઘાત બાદ કોલેજ કેમ્પસમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ઓક્ટોબર ૨૦૨૫માં પ્રવેશ લેનાર જય અભ્યાસમાં નિયમિત હતો, પરંતુ તેની શિસ્ત બાબતે અગાઉ કેટલીક ફરિયાદો ઉઠી હોવાનું કોલેજ જણાવી રહી છે. જોકે, આ ઘટનાના મૂળમાં પ્રોફેસરોની કડક વર્તણૂક હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. સ્યુસાઈડ નોટમાં ‘મેડમ’ શબ્દના ઉલ્લેખને કારણે હવે આંગળી તે તરફ ચીંધાઈ રહી છે. કોલેજમાં એક ક્લાસમાં સામાન્ય રીતે ૩ મહિલા પ્રોફેસરો ફરજ બજાવતા હોય છે, જે તમામના નિવેદનો હાલમાં નોંધવામાં આવ્યા છે. તપાસ સમિતિ એ દિશામાં તપાસ કરી રહી છે કે, પ્રોફેસરોનું વલણ માત્ર શિસ્ત લાવવા પૂરતું હતું કે, પછી તે માનસિક ત્રાસની હદે પહોંચ્યું હતું.
ખાસ કરીને નર્સિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષકોના અસંવેદનશીલ વલણ સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. બીજીતરફ જય પાટીલ અંતિમ પગલું ભરતા પહેલા ૨ દિવસથી કોલેજમાં ગેરહાજર રહ્યો હતો. આ દરમિયાન કોલેજ દ્વારા તેના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે સમયે પિતાએ જયને એલર્જીની તકલીફ હોવાનું જણાવી રજાનો બચાવ કર્યોે હતો. જોકે, હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે, શું જય ખરેખર બીમાર હતો કે પછી કોલેજમાં શિક્ષકોના દબાણને કારણે તે ક્લાસમાં આવતા ડરતો હતો. પિતા સાથે થયેલી આ છેલ્લી વાતચીત હવે તપાસનો મહત્વનો મુદ્દો બની છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે અને વિદ્યાર્થીના મોબાઈલ રેકોર્ડ્સ તેમજ કોલેજના સ્ટાફની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી હતી : મૃતક વિદ્યાર્થીના પિતા
મૃતક વિદ્યાર્થીના પિતા વિજય પાટીલે કોલેજ પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા છે. થોડા દિવસ અગાઉ તેમને કોલેજમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં કોલેજ સત્તાધીશોએ જયના વર્તન પર દેખરેખ રાખવાની અને સુધારો ન જણાય તો લિવિંગ સટફિકેટ આપી દેવાની ધમકી આપી હતી. કોલેજના શિક્ષકોએ તેમના દીકરાને માનસિક રીતે એકલો પાડી દીધો હોવાથી તે છેલ્લા ત્રણ દિવસથી ભારે ડિપ્રેશનમાં હતો, તેવા આક્ષેપો કર્યા છે.
જયે વિવિધ ગેરરીતિઓ બદલ માફીપત્ર આપ્યા હતા : કોલેજના ડીન
કોલેજના ડીન ડૉ. વિરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંવાદમાં ક્યારેક મર્યાદા ભંગ થતી હોય ત્યારે શિક્ષકો તેમને ટોકતા હોય છે. જયે અગાઉ ત્રણવાર વિવિધ ગેરરીતિઓ બદલ લેખિતમાં માફીપત્ર આપ્યા હતા. શું આ શિક્ષકોનું વર્તન સુધારાત્મક હતું કે, પછી માનસિક ત્રાસજનક, એ તપાસ સમિતિના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં તમામ ટીચર્સના નિવેદનો લેવામાં આવ્યા છે.
માનસિક દબાણ કે શિસ્તની કડકાઈ?
કોલેજ કેમ્પસમાં પ્રોફેસરોના વર્તનને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના મતે ઘણીવાર નાની ભૂલો માટે પણ શિક્ષકો દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવે છે. જય પાટીલના કેસમાં પણ આ પ્રકારનું માનસિક દબાણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદમાં મર્યાદા ભંગ થતી હોય ત્યારે તેને સુધારવા માટે વપરાતા રસ્તાઓ હવે તપાસના દાયરામાં છે.
પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી
પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે અને વિદ્યાર્થીના મોબાઈલ રેકોર્ડ્સ અને કોલેજના સ્ટાફની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ અને જવાબદારો સામે આવશે. આ ઘટના શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષકોના વલણ સામે મોટા પ્રશ્નાર્થોે ખડા કરે છે. શૈક્ષણિક દબાણ કે શિસ્તના નામે વિદ્યાર્થીઓ પર એટલું માનસિક ભારણ ન આવવું જોઈએ કે તેઓ મોતને વહાલું કરે. વાલીઓ અને કોલેજ સત્તાધીશો વચ્ચે યોગ્ય સંવાદનો અભાવ અને વિદ્યાર્થીની સંવેદનશીલતાને સમજવામાં થતી ચૂક આવા કરુણ અંજામ લાવે છે, જે ભવિષ્યમાં અટકાવવા અનિવાર્ય છે.

