નડિયાદ શહેરના ચકલાસી ભાગોળથી ફતેપુરા તરફના માર્ગ પર સંરક્ષણ દિવાલ કે રેલિંગ ન હોવાથી વાહનચાલકો અકસ્માતના ભય તળે માર્ગ પસાર કરવા મજબૂર બન્યા છે. આ રોડ પર અકસ્માતના અનેક બનાવો બન્યા છે. નડિયાદ કોર્પોરેશન દ્વારા કાયમી ઉકેલ લાવવામાં ન આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ ફેલાયો છે, તેમજ સત્વરે સુરક્ષા દિવાલ બનાવવાની માંગ ઉઠવા પામી છે.

આ માર્ગ પર મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તારો, એક શાળા તેમજ નાનામોટા મંદિરો આવેલા હોવાથી અહીં દિવસ દરમિયાન લોકોની અને વાહનોની અવરજવર ખૂબ જ વધારે રહે છે. ખાસ કરીને શાળાનો સમય હોય ત્યારે આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ નોંધનીય રહે છે. જોકે, આ અત્યંત વ્યસ્ત રોડને બરાબર અડીને જ એક ખુલ્લો અને ઊંડો કાંસ આવેલો છે. આ કાંસ અને રોડ વચ્ચે વાહનચાલકો કે રાહદારીઓની સુરક્ષા માટેની કોઈ સંરક્ષણ દીવાલ, પેરાફીટ કે પછી મજબૂત રેલિંગ બનાવવામાં આવી નથી. તેના કારણે, જો કોઈ વાહનચાલકનું સહેજ પણ ધ્યાન ચૂકે કે રાત્રિના અંધારામાં ભૂલથી પણ વાહન કાંસ તરફ જાય, તો તે સીધું જ કાંસમાં ઉતરી જવાનો ખતરો ઊભો થયો છે.
સ્થાનિક રહેવાસીઓ અને રોડનો ઉપયોગ કરનારા વાહનચાલકોની વર્ષોેથી માંગ રહી છે કે, આ જીવલેણ જોખમી કાંસને સમાંતર રોડની સાઈડમાં તાત્કાલિક ધોરણે સંરક્ષણ દીવાલ કે મજબૂત પેરાફીટનું નિર્માણ કરવામાં આવે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં અનેક વખત આ ખુલ્લા કાંસને કારણે નાના-મોટા અકસ્માતો સર્જાયા છે અને કેટલાક વાહનચાલકો વાહનો સાથે કાંસમાં ખાબક્યા છે. નડિયાદ કોર્પોેરેશન દ્વારા કાયમી ઉકેલ લાવવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો હતો.
સંરક્ષણ દિવાલ માટે 40 લાખ ફાળવાયા હતા
માર્ગ અને મકાન પંચાયત નડિયાદ પેટા વિભાગ દ્વારા ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ બનાવવામાં આવ્યો હતો. આ વખતે જ આ ખુલ્લી કાંસની ઉપર સંરક્ષણ દિવાલ બનાવવાના ૪૦ લાખ ફાળવવામાં આવ્યા હતા. આમ છતાં આજદીન સુધી અત્રે સંરક્ષણ દિવાલ બનાવાઈ નથી. ત્યારે આ અંગે ઉંડાણપૂર્વક તપાસ થાય તેવી પણ માંગણી ઉઠી છે.

