આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગર, તમાકુ, શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ખેડીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, કમોસમી વરસાદના કારણે આણંદ જિલ્લાના જે ખેડૂતોના ખેતીપાકોને નુકસાની થઈ છે તેના સર્વે માટે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમ સતત કાર્યરત કરાઈ છે. જિલ્લામાં સર્વેની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે ૧૧૪ જેટલી ટીમો દ્વારા સર્વે કાર્ય હાથ ધરાયું છે.

સર્વે અને રોજકામની કામગીરી માટે આણંદ જિલ્લાના ૮ તાલુકાઓના ૩૬૦ ગામોમાં સર્વે અને પંચ રોજકામની કામગીરી ખેતીવાડી શાખા દ્વારા કરવામાં આવી રહી છે, રજાના દિવસોમાં પણ ફિલ્ડ વિઝિટ કરીને આ કામગીરી કરી કરાઈ રહી છે. હાલમાં ૯૦ ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે આગામી એક બે દિવસમાં પૂર્ણ થઈ જશે. સર્વેની કામગીરી બાબતે આણંદ જિલ્લાના વલાસણ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકમાં વધુ નુકસાન થયું છે. ત્યારે સરપંચ, ગ્રામસેવક અને અન્ય વિભાગના અધિકારીઓની ટીમ બે- ત્રણ દિવસથી આવે છે. આવતી કાલ મંગળવારે સર્વે પૂર્ણ કરશે. ત્યારે સર્વે પૂર્ણ કરી ઝડપી વળતર ચૂકવાય તેવી માંગણી ઉઠી છે.

