આણંદ જિલ્લામાં આજે પણ વહેલી સવારથી ફરી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂત જગતમાં ચિંતાનો માહોલ છે. છેલ્લા ચાર દિવસના માવઠાથી ખેડૂતોનો ડાંગરનો પાક નિષ્ફળ જતા નુકસાન પહોંચ્યું છે. ત્યારે હજૂ વરસાદની સંભાવનાઓથી તમાકુ અને શાકભાજીનો પાક પણ નિષ્ફળ જાય તેવો ખેડૂતોને ભય પેઠો છે.

આણંદ જિલ્લો તમાકુના વાવેતરમાં રાજ્યભરમાં મોખરે ગણાય છે. ગત અઠવાડિયાના આંકડા મુજબ આણંદ જિલ્લામાં ૬,૦૦૦ હેક્ટરથી વધુ તમાકુનું વાવેતર થયું છે. જ્યારે ગત વર્ષે ૬૧,૦૦૦ હેક્ટરથી વધુ તમાકુનું વાવેતર નોંધાયું હતું. ત્યારે ચાર દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં મોટાભાગનો ડાંગરનો પાક નાશ પામતા ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે ફરી વરસાદની આગાહીને પગલે તમાકુના પાકને નુકસાન થવાની સંભાવનાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
આણંદ જિલ્લાના ખેડૂતોના જણાવ્યા મુજબ, તમાકુના ધરુંવાડિયાઓમાં વરસાદના પાણી ભરાતા નાના છોડ કોહવાઈ છે. પરિણામે તમાકુના ધરુનો ભાવ પ્રતિ ૧,૦૦૦ છોડના રૂા. ૪૦૦ જેટલો હતો જે હવે ઊંચકાઈને આગામી દિવસોમાં રૂા. ૫૦૦થી ૭૦૦ સુધી પહેંચવાની સંભાવના છે. છેલ્લા મહિનામાં વાવેતર કરેલી તમાકુના પાન વરસાદને કારણે તૂટી જવાથી, ખેતરની માટી તમાકુના પાન ઉપર પડવાથી નિષ્ફળ થઈ ગયા છે. નવા વાવેતરમાં પાણી ભરાવાના કારણે મૂળ કોહવાઈ જતા તમાકુનું વાવેતર પણ નિષ્ફળ જવાની સંભાવના છે.
આણંદ જિલ્લામાં રીંગણ, મેથી, ધાણા, લસણ, ગલકા, ટીંડોરા, ભીંડા, મૂળા, તૂવેર અને મરચા જેવી શાકભાજીને પણ માવઠાનો માર પડયો છે. વાડીઓમાં મૂકેલા ટેકાઓ તૂટી પડતા વેલાઓ જમીન દોસ્ત થઈ જતા શાકભાજી ક્હોવાઈ ગયું હોવાનું જાણવા મળે છે. ત્યારે આગામી દિવસોમાં લીલા શાકભાજીના ભાવ પણ બજારમાં ઊંચો જોવા મળે તેમ છે.

