કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન કરી કપડવંજ- મોડાસા રોડ ઉપર આવેલી શૉ-મિલોમાં નંબર પ્લેટ વગરના વાહનોમાં લાવી ઠલવાઈ રહ્યો છે. ત્યારે વન વિભાગ અને આરટીઓ વિભાગ તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.

કપડવંજ- મોડાસા રોડ ઉપર સંખ્યાબંધ શૉ-મિલ આવેલી છે. જ્યાં તાલુકાના દંતાલી, લેટર, ઘઉંઆ, ભુતિયા, પીરોજ પુર,લાડુજીના મુવાડા,વઘાસ, ડોડીયા પુર, નીરમાલી, ઝંડા જેવા ગામોમાંથી વૃક્ષોનું નીકંદન કાઢી ઊંટલારીઓ અને નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો ભરી મોડી રાતથી વહેલી સવાર દરમિયાન ઠલવાઈ રહ્યા છે.ત્યારે આ કાયદેસર છે કે ગેરકાયદે તે જોવાની તસદી પણ તંત્ર નહીં લેતું હોય તેવા આક્ષેપો ઉઠયા છે. એક તરફ સરકાર ગ્લોબલવોર્મિંગ અટકાવવા વૃક્ષારોપણના પખવાડિયા યોજી રહી છે. ત્યારે વર્ષો જૂના વૃક્ષો કપાઈને શૉ-મિલ કે વેરહાઉસમાં ખડકાઈ રહ્યા છે. શૉ-મિલ કે વેરહાઉસમાં જ્વલનશીલ લાકડાંનો ખડકલો હોવા છતાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો કે એનઓસી પણ લેવાઈ નહીં હોવાના આક્ષેપ પ્રકૃતિપ્રેમીઓ કરી રહ્યા છે.
લાકડાંની હેરફેર કરવા ટ્રેક્ટરો પણ નંબર પ્લેટ વગરના વાપરવામાં આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા ગેરકાયદે વૃક્ષછેદન કરી ઠલવાતી શૉ-મીલના માલિકો- વેપારીઓ વિરૂદ્ધ તેમજ આરટીઓ વિભાગ દ્વારા નંબર પ્લેટ વગરના ઓવરલૉડ ટ્રેક્ટરો સામે કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.

