નડિયાદ નજીક પીપલગ ચોકડી પાસે બાઈક ઉપર આવેલા બે ઉઠાવગીરો કારમાંથી રૂા. ૧.૦૭ લાખની મત્તા ભરેલી બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે અમદાવાદના વેપારીએ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના ઓઢવ ખાતે રહેતા અક્ષરભાઈ ધનસુખકુમાર ઠક્કર (ઉં.વ.૨૩) ધંધાના કામ માટે ગઈકાલે કાર લઈને નડિયાદ ખાતે આવ્યા હતા. બપોરના સમયે તેઓ કાર લઈને નડિયાદ નજીકની પીપલગ ચોકડી પાસે પેટલાદ રોડ પર આવેલા લાઈવ કેળાની વેફર બનાવતા ગૃહ ઉદ્યોગ ખાતે ગયા હતા. અક્ષર ઠક્કર કારને લોક માર્યા વગર ગૃહ ઉદ્યોગમાં પ્રવેશ કરીને માલિક સાથે ધંધાકીય વાતચીત કરતા હતા. દરમિયાન બાઈક પર આવેલા બે ઉઠાવગીરો ગૃહ ઉદ્યોગની બહાર પાર્ક કરેલી અક્ષર ઠક્કરની કારનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા હતા.
કારની આગળની સીટમાં મુકેલા ધંધાના કામ અર્થેના રોકડા રૂા. ૩૫,૦૦૦, એક સોનાની વીંટી અને એક સ્માર્ટ વોચ સહિત અન્ય ડોક્યુમેન્ટ મળી કુલ ૧,૦૭,૦૦૦ રૂપિયાની કિંમતની મતા ભરેલી બેગ ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગૃહ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીએ આ ઘટના જોતા તેણે તાત્કાલિક અક્ષર ઠક્કરને આ અંગે વાકેફ કર્યા હતા. નડિયાદ ગ્રામ્ય પોલીસે આ અંગે તફડંચીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

