નડિયાદના સરદાર ભવન વણઝારા ગ્રાઉન્ડ પાસેથી ચાર પિકઅપ ડાલા અને એક અતુલ શક્તિ ટેમ્પીમાં ક્રૂરતાપૂર્વક ૩૨ ભૂંડ ભરેલા મળી આવ્યા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે પાંચ વાહન ચાલકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતી યુનિવસટી સોશિયલ સાયન્સ ડીપ ફ્રી ડીપાર્ટમેન્ટમાં વિઝીટીંગ ફેકલ્ટી તરીકે નોકરી કરતા અને એનિમલ વેલ્ફેર એનજીઓના વોલિયેન્ટર સમીરભાઈ ચંદુભાઈ ગજ્જર (રહે. ઘાટલોડિયા, અમદાવાદ) રાત્રિના વડોદરાથી અમદાવાદ જઈ રહ્યાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે, સરદાર બોન્ડ પાસે વણઝારા ગ્રાઉન્ડની અંદર ચાર પિકઅપ ડાલા અને એક અતુલ શક્તિ ટેમ્પીમાં ભરેલા ૩૨ ભૂંડ અને વાડામાંથી બે ભૂંડ નેટથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ભરેલા છે. તેમજ આ પાંચે વાહનના ચાલકો ભૂંડ ભરેલા વાહનો મૂકી નાસી ગયા છે. જેથી તેઓએ ૧૧૨ જનરક્ષક વાનને જાણ કરતા નડિયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ વાહનોમાં ઘાસચારો કે પાણીની કોઈ સુવિધા ન હતી. આ બનાવ અંગે સમીરભાઈ ચંદુભાઈ ગજ્જરની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે વાહન ચાલકો સામે પશુ સાચવણી તેમજ પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

